
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં દારૂના ગેરકાયદે ધંધાનો વિરોધ કરવો સ્થાનિક રહીશોને ભારે પડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સોસાયટીમાં લાંબા સમયથી ચાલતા કથિત દારૂના અડ્ડાને બંધ કરાવવાની માંગ સાથે રહીશો એકત્ર થયા હતા, પરંતુ વાતચીત દરમિયાન જ વિવાદ ઉગ્ર બનતાં બૂટલેગર અને તેના સાગરીતોએ હુમલો કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હુમલામાં મહિલાઓ સહિત અનેક રહીશોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
લાંબા સમયથી રહીશોમાં હતો અસંતોષ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, સોસાયટીના રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા. જેના કારણે રાત્રિના સમયે અસામાજિક તત્વોનો જમાવડો થતો હતો અને મહિલાઓ, બાળકો તેમજ વડીલોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ હતી.
રહીશોએ અનેક વખત સંબંધિત લોકોને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં આખરે સૌએ એકજૂથ થઈને અડ્ડો બંધ કરાવવાનો નિર્ણય કર્યો હતો.
વાતચીત દરમિયાન ઉગ્ર બન્યો વિવાદ
રવિવારે સાંજે સોસાયટીના રહીશો એકત્ર થઈ કથિત બૂટલેગર પાસે પહોંચ્યા હતા અને રહેણાંક વિસ્તારમાં દારૂનું વેચાણ બંધ કરવાની માંગ કરી હતી. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપ છે કે ત્યારબાદ બૂટલેગરે પોતાના ઓળખીતા અને અન્ય લોકોને ફોન કરીને સ્થળ પર બોલાવી લીધા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
થોડી જ વારમાં લાકડાં અને અન્ય હથિયારો સાથે આવેલા શખ્સોએ રહીશો પર હુમલો શરૂ કર્યો હતો. હુમલાના કારણે સમગ્ર સોસાયટીમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
મહિલાઓ સાથે પણ મારામારીના આક્ષેપ
હુમલા દરમિયાન વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતી કેટલીક મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટનાના પગલે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ઘણા લોકો પોતાનો બચાવ કરવા માટે ઘરોમાં આશરો લેવા મજબૂર બન્યા હતા.
સ્થાનિકોના કહેવા મુજબ, રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની હિંસક ઘટના બનતાં લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.
પોલીસ પહોંચતાં હુમલાખોરો ફરાર
મારામારીની જાણ થતાં જ ચાંદખેડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, પોલીસ આવે તે પહેલાં જ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે સમગ્ર ઘટનાની માહિતી મેળવી ઇજાગ્રસ્તોના નિવેદનો નોંધ્યા હતા.
ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો
પ્રાથમિક તપાસ બાદ પોલીસે ઘર્મેન્દ્રસિંગ પઢીયાર, વિશ્વરાજ પઢીયાર, પૃથ્વી અને કિશોર સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ સોસાયટીમાં લાગેલા CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
રહીશોની કડક કાર્યવાહીની માંગ
ઘટના બાદ સોસાયટીના રહીશોએ રહેણાંક વિસ્તારમાં ચાલતા કથિત દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવા તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોનું કહેવું છે કે આવી પ્રવૃત્તિઓને કારણે પરિવારોમાં અસુરક્ષાની ભાવના વધી રહી છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
પોલીસનું કહેવું છે કે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: કતારગામમાં હિટ એન્ડ રનનો કેસ: કિયા કારની ટક્કરથી બે કાર ક્ષતિગ્રસ્ત, ચાલક ફરાર












