અમદાવાદ: વેપારીને ડેટિંગ એપ પર યુવતિ સાથે વીડિયો કોલ કરવો રૂ.1.66 કરોડમાં પડ્યો!

- અગાઉ પણ અનેક લોકોને ટારગેટ કરીને કરોડો રૂપિયા પડાવ્યા
- ઔરંગાબાદથી કૌશલેન્દ્ર સિંઘ અને અરૂણ સિંઘને ઝડપી લીધા
- ધમકી આપીને બદનામ કરવાનું કહીને રૂપિયા 1.66 કરોડ જેટલી માતબર રકમ વસુલી
અમદાવાદમાં રહેતા એક વેપારીને ડેટીંગ એપ દ્વારા ફસાવીને મળવા માટે દિલ્હી બોલાવ્યા બાદ હોટલમાં પોલીસ કેસમાં ફસાવવાનું કહીને પ્રથમ દોઢ લાખ રૂપિયા પડાવ્યા બાદ અલગ અલગ સમયે તેને લોકઅપમાં પુરવાની ધમકી આપીને બદનામ કરવાનું કહીને રૂપિયા 1.66 કરોડ જેટલી માતબર રકમ વસુલી હતી.
અગાઉ પણ અનેક લોકોને ટારગેટ કરીને કરોડો રૂપિયા પડાવ્યા
આ અંગે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધવામાં આવતા પોલીસે ઔરંગાબાદથી ઝડપી લીધા હતા. આરોપીઓએ ડેટીંગ એપનો ઉપયોગ કરીને અગાઉ પણ અનેક લોકોને ટારગેટ કરીને કરોડો રૂપિયા પડાવ્યાનું પણ પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે. અમદાવાદમાં રહેતા એક 45 વર્ષીય વ્યક્તિએ એક વર્ષ પહેલા તેના મોબાઇલમાં વિવિધ ડેટીંગ એપ ડાઉનલોડ કરી હતી. જેમાં ટીન્ડર એપ દ્વારા દિલ્હીની એક મહિલા સાથે તેમનો સંપર્ક થયો હતો. મહિલા સાથે વોટ્સએપથી વાતચીત બાદ નક્કી થયા મુજબ થોડા મહિના પહેલા તે દિલ્હી મહિલાને મળવા માટે ગયા હતા. પરંતુ, ટીન્ડર એપમાં જે ડીપી હતુ તેના બદલે ત્યાં બીજી મહિલા હતી. જો કે મહિલાએ તેને કહ્યું હતુ કે તેણે ઓળખ છતી ન થાય તે માટે ખોટો ફોટો મુક્યો હતો.
વેપારી તે મહિલા સાથે હોટલમાં હતો
ત્યારબાદ વેપારી તે મહિલા સાથે હોટલમાં હતો. ત્યારે મહિલાએ અગાઉથી નક્કી થયા મુજબ તેના પર વેપારી મારઝુડ કરીને ધમકી આપી હોવાનું કહીને બદનામ કરવાનું કહ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિ રૂમમાં આવ્યો હતો. તેણે પોલીસ તરીકે ઓળખ આપીને કેસ કરવાનું કહીને સમાધાન પેટે પહેલા દોઢ લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ તે અમદાવાદ આવી ગયો હતો. પરંતુ, પોલીસ તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોલીસ યુનિફોર્મ સાથે વીડીયો કોલ કરીને તેના વાંધાજનક ફોટો વાયરલ કરવાની ધમકી આપીને 1.66 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.
ઔરંગાબાદથી કૌશલેન્દ્ર સિંઘ અને અરૂણ સિંઘને ઝડપી લીધા
ત્યારબાદ પણ સતત ધમકી મળતા વેપારીએ છેવટે વેપારીએ આ અંગે તેમના પરિવારને જાણ કરતા ક્રાઇમ બ્રાંચમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે મોબાઇલ લોકેશનના આધારે ઔરંગાબાદથી કૌશલેન્દ્ર સિંઘ અને અરૂણ સિંઘને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો: ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોની જમીન નામે કરવા આદેશ અપાયો












