Paytm બાદ હવે વિઝાકાર્ડ અને માસ્ટરકાર્ડ ઉપર પણ RBIની ઍક્શન
- કેન્દ્રીય બેંક દ્વારા પ્રતિબંધ પાછળનું કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી: Paytm બાદ ભારતીય રિઝર્વ બેંકે હવે મોટી કાર્ડ કંપનીઓ જેવી કે વિઝાકાર્ડ અને માસ્ટરકાર્ડને થર્ડ પાર્ટી એપ્સ દ્વારા મની ટ્રાન્સફર અને ભાડાંની ચૂકવણી જેવા B2B વ્યવહારો કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા આ પ્રતિબંધ પાછળ કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી. જો કે, આ પ્રતિબંધની સીધી અસર થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવતા કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન પર જ પડશે.
મિંટના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ રીતે માત્ર મર્યાદિત સંખ્યામાં નાણાકીય વ્યવહારો થાય છે અને તેની અસર તદ્દન મર્યાદિત રહેશે. અન્ય કોર્પોરેટ વ્યવહારો પર તેની કોઈ અસર પડશે નહીં.
તમામ BPSP વ્યવહારો બંધ કરો: RBI
વિઝાકાર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 8 ફેબ્રુઆરીએ અમને RBI તરફથી એક સંદેશ પ્રાપ્ત થયો છે, જેમાં ઘણા બિઝનેસ પેમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઈડર્સની (BPSP) કોમર્શિયલ અને બિઝનેસ પેમેન્ટ્સ પર ઈન્ડસ્ટ્રી વ્યાપી માહિતી માંગવામાં આવી છે. આ સંદેશાવ્યવહારની સાથે જ તમામ BPSP ટ્રાન્ઝેક્શન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે RBI તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિઝાએ કહ્યું કે, તેઓ સતત આ મુદ્દા પર RBI સાથે સક્રિયપણે ચર્ચા કરી રહ્યા છે અને તેઓ ઇકોસિસ્ટમના તમામ નિયમોનું પાલન કરે તેવી ખાતરી કરશે.
બપોર સુધીના ટોપ-10 સમાચાર જાણવા માટે જુઓ આ વીડિયો
Paytm પેમેન્ટ પર પ્રતિબંધ
RBI દ્વારા Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંક દ્વારા આ પ્રતિબંધ પેટીએમ દ્વારા નિયમોનું પાલન ન કરવા અંગે છે. તે જ સમયે, અન્ય ઘણી એજન્સીઓ દ્વારા પેટીએમ પેમેન્ટ બેંકની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કારણે પેટીએમના શેરમાં મોટો ઘટાડો થયો છે અને 1 ફેબ્રુઆરીથી શેર લગભગ 51 ટકા સુધી લપસી ગયો છે.
આ પણ જુઓ: HDFC બેંક ગ્રુપ 6 બેંકમાં 9.5% હિસ્સો ખરીદશે, RBIએ આપી મંજૂરી












