આજે બપોરે 3:30 વાગ્યા સુધીમાં 21 રાઉન્ડની ગણતરી કેવી રીતે પુરી થઈ ગઈ? ફાલ્ટામાં BJPની ભવ્ય જીત બાદ ભડક્યા અભિષેક બેનર્જી

Abhishek Banerjee: પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીત બાદ હવે એક નવું રાજકીય તોફાન શરૂ થયું છે. ભાજપના ઉમેદવાર દેવાંગશુ પાંડાની 100,000 થી વધુ મતોથી જીત બાદ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા. તેમણે પૂછ્યું કે જ્યારે 4 મેના રોજ બપોરે 3:30 વાગ્યા સુધી માત્ર 2થી 4 રાઉન્ડની ગણતરી જ થઈ હતી, ત્યારે આજે એ જ સમય સુધી 21 રાઉન્ડની ગણતરી કેવી રીતે પૂર્ણ થઈ ગઈ?
મત ગણતરીની ગતિ પર ઉઠાવ્યા સવાલ
અભિષેક બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “આજે ફાલ્ટામાં થયેલા રીપોલમાં ગડબડીઓ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. આજે બપોરે 3:30 વાગ્યા સુધી તમામ 21 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ હતી, જ્યારે 4 મેના રોજ આ જ સમયે માત્ર 2થી 4 રાઉન્ડની ગણતરી જ થઈ હતી. ચૂંટણી પંચે આ મુદ્દે દેશ સમક્ષ સ્પષ્ટીકરણ આપવું જોઈએ.”
The Falta AC repoll counting today exposes glaring inconsistencies. By 3:30 pm in the afternoon today all 21 rounds were completed. On 4th May, till the same time, only 2- 4 rounds had taken place. The country deserves an explanation from the ECI.
Although more than 1000…
— Abhishek Banerjee (@abhishekaitc) May 24, 2026
પાર્ટી કાર્યકરો પર હેરાનગતિના આરોપો
પોતાના X પોસ્ટમાં અભિષેક બેનર્જીએ આરોપ લગાવ્યો કે છેલ્લા 10 દિવસમાં ફાલ્ટાના 1 હજારથી વધુ પાર્ટી કાર્યકરોને પોતાનું ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા, છતાં ચૂંટણી પંચે આ મુદ્દે આંખ આડા કાન કર્યા. તેમણે વધુમાં કહ્યું કે આદર્શ આચાર સંહિતા લાગુ હોવા છતાં દિવસના અરસામાં પાર્ટી ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી હતી.
બંગાળમાં મુખ્ય સચિવની નિમણૂક પર સવાલ
અભિષેક બેનર્જીએ આગળ લખ્યું કે, “ચૂંટણી પંચે કોઈ કાર્યવાહી કરી નથી. તેના બદલે CEO, જેમનો કથિત રીતે ચૂંટણી પંચ દ્વારા SIRની આડમાં નામ કાપવા અને ચૂંટણી પ્રક્રિયામાં હેરફેર કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમને પશ્ચિમ બંગાળની નવી સરકારમાં મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે ફાલ્ટામાં આદર્શ આચાર સંહિતા હજુ પણ લાગુ હતી અને મતદાન પ્રક્રિયા પણ પૂર્ણ થઈ નહોતી.”
કાઉન્ટિંગ એજન્ટોનો મુદ્દો પણ ઉઠાવ્યો
તેમણે પોતાની X પોસ્ટમાં એમ પણ લખ્યું કે, તેનાથી પણ વધુ ચિંતાજનક વાત એ છે કે, 4 મેના રોજ ચૂંટણી પંચ દ્વારા તૈનાત અધિકારીઓ અને કેન્દ્રીય દળો દ્વારા TMC અને BJP સિવાયના રાજકીય પક્ષોના ગણતરી એજન્ટોને કથિત રીતે ગણતરી કેન્દ્રમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ખૂબ જ ચિંતાજનક છે અને મુક્ત અને ન્યાયી ચૂંટણીના મૂળભૂત સિદ્ધાંતો પર સીધો હુમલો છે.
જનાદેશના CCTV ઓડિટની માંગ
અભિષેક બેનર્જીએ પોતાની પોસ્ટના અંતમાં લખ્યું કે, “જ્યાં સુધી ભ્રષ્ટ અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં નહીં આવે અને મતગણતરી પ્રક્રિયાનું સ્વતંત્ર રીતે CCTV ઓડિટ નહીં કરવામાં આવે, ત્યાં સુધી જનાદેશની વિશ્વસનીયતા પર પ્રશ્નો વધુ વધતા જશે. સત્યને હંમેશા માટે દબાવી શકાય નહીં!”
આ પણ વાંચો: રક્ષાથી લઈને AI સુધી… એસ. જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો વચ્ચે કયા-કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?












