‘પીપલી લાઇવ’ના ગીતની પોસ્ટ મૂકી ટ્રોલ થયું આમિર ખાન પ્રોડક્શન્સ: વિવાદ વધતાં ‘મહંગાઈ ડાયન’નો વીડિયો ડિલીટ કરવો પડ્યો
Aamir Khan Productions Deleted Twitter Post: વર્ષ 2010માં આવેલી બોલિવૂડની પ્રખ્યાત પોલિટિકલ સેટેરિકલ (રાજકીય વ્યંગ) ફિલ્મ “પીપલી લાઇવ” સોશિયલ મીડિયા પર અચાનક ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા ફિલ્મના લોકપ્રિય ગીત “મહંગાઈ ડાયન ખાય જાત હૈ” ને લઈને કરવામાં આવેલી એક પોસ્ટ બોલિવૂડ વર્તુળો અને સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો કરી ગઈ છે. દેશમાં મોંઘવારી જેવા સંવેદનશીલ મુદ્દા પર યુઝર્સની તીખી રાજકીય પ્રતિક્રિયાઓ અને ટ્રોલિંગને જોતાં, આખરે પ્રોડક્શન હાઉસને આ પોસ્ટ ડિલીટ કરવાની ફરજ પડી હતી.
શું હતું આમિર ખાન પ્રોડક્શન્સની પોસ્ટમાં?
શનિવાર, 23 મે 2026ના રોજ આમિર ખાન પ્રોડક્શન્સના સત્તાવાર એક્સ (ટ્વિટર) હેન્ડલ પરથી ફિલ્મની એક વીડિયો ક્લિપ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, “આશા છે કે, મોંઘવારીની ચૂડેલ આખરે આપણને છોડી દેશે.” આ વીડિયો ક્લિપમાં ફિલ્મનું એક પ્રખ્યાત દ્રશ્ય હતું, જેમાં “પેટ્રોલ દર મહિને કૂદકો મારે છે” જેવી લાઈનો સ્ક્રીન પર દેખાતી હતી. આ પોસ્ટનો મૂળ હેતુ ચાહકોને એ યાદ અપાવવાનો હતો કે 16 વર્ષ પહેલાં સિનેમામાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ આજે પણ એટલા જ સુસંગત છે. આ ફિલ્મે દેશની મોંઘવારી, ગ્રામીણ પરિસ્થિતિ અને મીડિયાના તમાશા પર આકરા પ્રહારો કર્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સોશિયલ મીડિયા પર શરૂ થયું ટ્રોલિંગ અને EDના દરોડાનો કટાક્ષ
આ પોસ્ટ ઓનલાઈન મૂકવામાં આવતાની સાથે જ ઇન્ટરનેટ પર રાજકીય ચર્ચાઓનો પૂર આવ્યો હતો. મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા યુઝર્સે આ મુદ્દાને સીધો વર્તમાન સરકાર અને તપાસ એજન્સીઓ સાથે જોડીને આમિર ખાનને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, “ખાન, અને તે દેશના વાસ્તવિક મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા છે? હવે બોયકોટ ટ્રેન્ડ અને ઇડી (ED) ના દરોડા માટે તૈયાર થઈ જાઓ.”
વિવાદ વકરતાં પ્રોડક્શન હાઉસે લીધો યુ-ટર્ન
જોતજોતામાં આ પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી અને કમેન્ટ સેક્શન રાજકીય અખાડામાં ફેરવાઈ ગયું હતું. એકતરફ કેટલાક યુઝર્સ મોંઘવારીના મુદ્દાને સમર્થન આપી રહ્યા હતા, તો બીજી તરફ બહુ મોટી સંખ્યામાં લોકો તેને ચોક્કસ રાજકીય એજન્ડા ગણાવી વિરોધ કરી રહ્યા હતા. વિવાદ અને ટ્રોલિંગ સતત વધતું જોઈને આમિર ખાન પ્રોડક્શન્સે વિવાદથી અંતર જાળવવું જ યોગ્ય માન્યું હતું. ભારે દબાણ વચ્ચે, ગણતરીના કલાકોમાં જ પ્રોડક્શન હાઉસે પોતાના સત્તાવાર હેન્ડલ પરથી આ વીડિયો અને પોસ્ટને સંપૂર્ણપણે હટાવી દીધા હતા. જો કે, ત્યાં સુધીમાં યુઝર્સે આ પોસ્ટના સ્ક્રીનશોટ પાડી લીધા હતા, જે હજુ પણ વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Cannes 2026: કાન્સ રેડ કાર્પેટ પર ઐશ્વર્યાનો ગ્લેમરસ અંદાજ, ફેન્સ થયા દીવાના










