રોહિત શર્મા પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્તઃ કાલે પાકિસ્તાન સામે રમી શકશે?
ન્યૂયોર્ક, 8 જૂનઃ ટી-20 વિશ્વકપમાં અત્યંત રોમાંચક મુકાબલા પહેલાં જ ભારતીય ટીમની ચિંતા વધી ગઈ છે. રવિવારે પાકિસ્તાની ટીમ સાથે ટીમ ભારતનો મુકાબલો છે, પરંતુ તે પહેલાં કૅપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થઈ ગયો છે. મેચની તૈયારી માટે પ્રેક્ટિસ કરી રહેલા રોહિત શર્માને હાથમાં બૉલ વાગ્યો હતો. એ જોઈને આખી ટીમનું બ્લડપ્રેશર વધી ગયું હતું.
પ્રેક્ટિસ દરમિયાન રોહિતને હાથમાં બૉલ વાગતાં જ બધા ટેન્શનમાં આવી ગયા હતા. જોકે આમછતાં રોહિતે બેટિંગ કરવાનું ચાલુ રાખતાં ભારતીય ટીમના ખેલાડીઓ અને અન્ય સહાયક સ્ટાફે રાહતનો દમ લીધો હતો. પાકિસ્તાન જેવી હરીફ ટીમ સામેની મેચ હોય ત્યારે રોહિતની હાજરીનું કેટલું મહત્ત્વ છે એ સૌ જાણે છે.
પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત થ્રો ડાઉન નિષ્ણાતના બૉલ પર ઈજાગ્રસ્ત થયો હતો. બેટિંગ કરતી વખતે બૉલ રોહિતની આંગળીમાં વાગ્યો. રોહિતને તરત જ ફિઝિયોએ ચકાસી લીધો હતો. તેની બેટિંગ પ્રેક્ટિસ પર પણ થોડા સમય માટે અસર પડી હતી, પરંતુ ત્યારબાદ રોહિતે ફરીથી પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. આ બીજી વખત છે જ્યારે રોહિતને હાથમાં ઈજા થઈ છે. આ અગાઉ પણ રોહિત આયર્લેન્ડ સામેની પ્રથમ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને અડધી સદી ફટકાર્યા બાદ તે રિટાયર-હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. એ ઈજા અંગે તેણે પછીથી કહ્યું હતું કે તેને સોજો લાગતો તેથી તેણે સાવચેતીના ભાગરૂપે મેદાન છોડી દીધું હતું.
રોહિતની ઈજાના સમાચાર વચ્ચે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની પત્ની સંજના ગણેશને ચોંકાવનારી પોસ્ટ કરીને ચાહકોનું ટેન્શન વધાર્યું. તેણે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, ‘જસપ્રીત ટૉસ કરે ત્યાં સુધી રાહ જોઈ શકીશ નહીં.’ તેની આવી પોસ્ટથી ચાહકો પહેલાં તો મુંઝાયા, પછી કેટલાક ચાહકોએ એવો પ્રશ્ન કર્યો કે, શું સંજના ફરીથી માતા બનવાની છે? જોકે, રોહિતના ચાહકોએ લખ્યું કે, રોહિત ફિટ છે અને રવિવારે કેપ્ટન તરીકે જ રમશે.
View this post on Instagram
પાકિસ્તાન સામેની મહત્ત્વની મેચ પહેલાં ટીમ ભારતે ત્રણ કલાક સુધી સખત પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન વિરાટ કોહલી બરાબર ફોર્મમાં લાગતો હતો. આ મેચમાં ટીમ ભારત પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાનું લક્ષ્ય રાખશે. તે જ સમયે, પાકિસ્તાન તેની પ્રથમ જીત પર નજર રાખશે. તાજેતરમાં બાબર આઝમની ટીમને અમેરિકાની ટીમ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
રવિવારની આ મહત્ત્વની મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ પિચ પર ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કારણ કે તેમાં વધારાનો ઉછાળ જોવા મળ્યો છે. રોહિત સિવાય ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ઋષભ પંતને પણ શરીર પર ઘણા બૉલ વાગ્યા હતા. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને ન્યૂયોર્કની પિચની ટીકા કરી હતી અને તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે અયોગ્ય ગણાવી હતી.