તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતાં 8એ જીવ ગુમાવ્યા
ચેન્નઈ (તમિલ નાડુ), 17 ફેબ્રુઆરી: તમિલનાડુના વિરુધુનગરમાં શનિવારે ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોનાં મૃત્યુ થયા હોવાના અહેવાલ છે, જ્યારે ત્રણ અન્ય ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસે આ વિસ્ફોટની માહિતી આપી છે. પોલીસે પ્રાથમિક તપાસને ટાંકીને જણાવ્યું કે મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મહત્ત્વનું છે કે, આ ઘટના તમિલનાડુના વેમ્બકોટ્ટાઈ પોલીસ સ્ટેશન હેઠળની એક જગ્યાએ બની હતી.
#WATCH | Explosion occurs in a firecracker manufacturing unit in Tamil Nadu’s Virudhunagar; details awaited pic.twitter.com/cALcg6A9Ow
— ANI (@ANI) February 17, 2024
અકસ્માતની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ ફેક્ટરીના કેમિકલ મિક્સિંગ રૂમમાં થયો હતો. આ વિસ્ફોટમાં ફેક્ટરીની નજીક આવેલી ચાર ઈમારતોને પણ નુકસાન થયું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જે મકાનમાં ફટાકડાનું કારખાનું ચાલતું હતું તે ઘર જમીનદોસ્ત થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું કે કાટમાળ નીચે દબાઈને કેટલાક કામદારોએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં 5 મહિલાઓનો સમાવેશ થાય છે. ગંભીર રીતે ઘવાયેલા લોકોને શિવકાશીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
યુપીમાં ફટાકડાના કારણે આગ ફાટી નીકળી હતી
આ પહેલા બુધવારે યુપીના ચિત્રકૂટ જિલ્લામાં આયોજિત બે દિવસીય બુંદેલખંડ ગૌરવ મહોત્સવ કાર્યક્રમમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લેતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલાની તપાસ માટે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની અધ્યક્ષતામાં એક કમિટિની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: દિલ્હીના અલીપુરમાં મોટી દુર્ઘટના, પેઈન્ટ ફેકટરીમાં આગ લાગતાં 11ના મૃત્યુ