ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સરકારી ભાષણથી અસંમત છું કહીને રાજ્યપાલ ચાલ્યા જતાં તમિલનાડુમાં વિવાદ

ચેન્નઈ (તમિલનાડુ), 12 ફેબ્રુઆરી: તમિલનાડુમાં રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે ફરી વિવાદ વકર્યો છે. વિધાનસભામાં પોતાનું સંબોધન શરૂ કર્યા પછી તરત જ ગવર્નર RN રવિએ એવું કહીને તેનું સમાપન કર્યું કે તેઓ સરકાર દ્વારા તૈયાર કરાયેલા સંબોધનથી અસંમત છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા તૈયાર કરાયેલા સંબોધનમાં આવા ઘણા ફકરા છે, જેની સાથે તેઓ તથ્ય અને નૈતિક રીતે સહમત નથી. આટલું કહીને તેણે પોતાનું સંબોધન સમાપ્ત કર્યું. આમાં તેમણે માત્ર 1 મિનિટ 19 સેકન્ડનો સમય લીધો હતો. સાથે તેમણે રાષ્ટ્રગીતનું સન્માન ન કરવા બદલ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સરકારની પણ ટીકા કરી હતી.

સંબોધનની વાતોથી હું અસંમત છું: RN રવિ

ગવર્નર આરએન રવિએ કહ્યું, ‘સંબોધનમાં એવા ઘણા ભાગો છે જેનાથી હું બિલકુલ પણ સંમત નથી. આવી સ્થિતિમાં જો હું આ વાંચીશ તો તે બંધારણની મજાક બનશે. તેથી, હું ગૃહને યોગ્ય માન આપીને મારું સંબોધન સમાપ્ત કરું છું. તેમણે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું, ‘મેં ઘણી વખત સંબોધનની શરૂઆતમાં અને અંતે રાષ્ટ્રગીત વગાડનો અનુરોધ કર્યો હતો. પરંતુ તેની વારંવાર અવગણના કરાઈ રહી હતી. તેમણે ગૃહની વધુ સારી કામગીરી અને વધુ કામકાજની પણ શુભેચ્છા પાઠવી હતી. રાજ્યપાલનું ભાષણ સમાપ્ત થયા પછી તરત જ વિધાનસભાના અધ્યક્ષ એમ. અપ્પાવુએ તમિલમાં ભાષણનું સંપૂર્ણ વાંચન કર્યું હતું.

રાષ્ટ્રગાન વગાડવામાં શું વાંધો છે?: BJP નેતા

રાજ્યના ભાજપ ઉપાધ્યક્ષ નારાયણ તિરુપતિએ કહ્યું કે, રાજ્યપાલ વારંવાર બોલ્યા છે કે, વિધાનસભાની શરૂઆતમાં અને અંતે બંને સમયે રાષ્ટ્રગાન વગાડવું જોઈએ. આમ કરવામાં વાંધો શું છે? જો ખોટી માહિતી સંબોધનમાં લખેલી હોય તો રાજ્યપાલને તેને છોડી દેવાનો કે નકારવાનો અધિકાર છે.

રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે ખેંચતાણ

છેલ્લા કેટલાક સમયથી તમિલનાડુના ગવર્નર આરએન રવિ અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિન વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. સીએમની સલાહ લીધા વિના રોકડ અને મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા વીજળી અને આબકારી મંત્રી સેન્થિલ બાલાજીને સીધા જ બરતરફ કરવાનો આદેશ આપીને તેઓ વિવાદમાં આવ્યા હતા. જો કે, થોડા જ કલાકોમાં રાજભવને નિર્ણય પર રોક લગાવી દીધી અને એટર્ની જનરલ પાસેથી સલાહ માંગી. આ નિર્ણયને લઈને સ્ટાલિન સરકાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આરએન રવિ પર સતત પ્રહારો કરી રહ્યા છે. સ્ટાલિન સરકારે 2022માં આરોપ લગાવ્યો હતો કે તેમણે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કેબિનેટની ભલામણો અને 10 થી વધુ બિલોને મંજૂરી આપવામાં વિલંબ કર્યો હતો.

આ પણ વાંચો: તમિલનાડુ: રાજ્યપાલ દ્વારા પરત કરાયેલા બિલ વિધાનસભામાં સર્વસંમતિથી પસાર

Back to top button