ચૈત્ર મહિનામાં સારુ આરોગ્ય અને સમૃદ્ધિ મેળવવા માટે અજમાવો આ ઉપાય
ચૈત્ર મહિનો ધર્મ અને કર્મની સાથે આરોગ્યની બાબતમાં પણ વિશેષ સાવધાની રાખવાનો મહિનો ગણાય છે. અત્યારે વાતાવરણમાં ગરમી વધી જવાના કારણે વાઇરસ – બેક્ટેરિયા સક્રિય થવા લાગે છે અને સંક્રમણથી થતી બિમારીઓને પ્રોત્સાહન આપે છે. આ મહિનામાં અનેક પ્રકારના રોગ થઇ શકે છે. એવા કેટલાક ઉપાયો છે જે અપનાવવાથી તમે બિમારીઓથી બચી શકો છો.
પીવો લીમડાના પાનનો રસ
લીમડાના પાનને આરોગ્ય માટે ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. આખા ચૈત્ર મહિનામાં સવારે ખાલી પેટે લીમડાના પાન ચાવીને ખાઇ શકો છો અથવા તો તેનો રસ પી શકો છો. આમ કરવાથી પેટના રોગ તમારાથી દુર રહેશે. આ સાથે લીમડો તમને સંક્રમણના કારણે થતા રોગોથી પણ બચાવે છે. ચૈત્ર મહિનામાં લીમડાની સાથે મિસરી કે ગોળ ખાવું પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી ગુડી પડવામાં લોકો લીમડો ચાવે છે અને ગોળ ખાય છે.
દુધનું સેવન બંધ કરો
ચૈત્ર મહિનામાં શક્ય હોય તો દુધનું સેવન ન કરો. તેની જગ્યાએ તમે તાજુ દહીં મિસરી સાથે લઇ શકો છો. દહીં અને મિસરીનું સેવન કુંડળીમાં ચંદ્રની સ્થિતિને મજબુત કરે છે અને તમારા પેટમાં શીતળતા પ્રદાન કરે છે. ધ્યાન રાખો દહીં ઠંડુ ન હોવુ જોઇએ.
મીઠાનો ત્યાગ કરો
ચૈત્ર મહિનામાં શક્ય હોય તો 15 દિવસ અને કમસે કમ આખી નવરાત્રિ મીઠાનો ત્યાગ કરો. જો અઘરુ લાગતુ હોય તો સિંધાલુન વાપરી શકો છો. આમ કરવાથી ધાર્મિક દ્રષ્ટિએ તો તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ જે લોકો હાઇ બીપીના દર્દી છે તેમને જબરજસ્ત ફાયદો થાય છે.
વધુ માત્રામાં ભોજન ન કરો
ચૈત્ર મહિનામાં લોકોનું પાચનતંત્ર નબળુ હોય છે, તેથી આ દિવસોમાં વધુ તૈલીય અને મસાલેદાર ભોજન ન કરો. ચૈત્ર મહિનામાં અપચો અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ વધઈ જાય છે. આ મહિનામાં હળવુ ભોજન કરવું. શક્ય હોય તો રાતનું ભોજન ન કરવુ અથવા માત્ર તરલ વસ્તુઓનો ઉપયોગ કરવો.
સકારાત્મક ઉર્જા માટે કરો ઉપાય
ચૈત્ર મહિનામાં ચારે બાજુ વાતાવરણમાં ઉદાસી છવાયેલી રહે છે. પતઝડના કારણે આસપાસના માહોલમાં રંગ ફીકો રહે છે, તેથી ક્યારેક ક્યારેક મન ઉદાસ કે નિરાશ થઇ જાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જાના સંચાર માટે રોજ ધુપ, કપુર, લીમડાના સુકા પાન સળગાવો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે.
આ પણ વાંચોઃ ચૈત્ર મહિનામાં જ કેમ પીવામાં આવે છે લીમડાનો રસ, શું છે કારણ?