કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર, 2027 સુધીમાં આવશે 8મા પગાર પંચની ભલામણો

8th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ આ સમયે 8મા પગાર પંચની (8th Pay Commission) ભલામણોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જો બધું બરાબર રહ્યું તો, પગાર પંચ વર્ષ 2027 ના પ્રથમ છ મહિના (ફર્સ્ટ હાફ) સુધીમાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપી શકે છે. પરંતુ આ ભલામણો આવે તે પહેલાં જ કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનને (Pension) લઈને એક મોટો ફેરફાર થવાની સંભાવના સેવાઈ રહી છે.
એક અહેવાલમાં કર્મચારી સંગઠનો અને યુનિયનના પ્રતિનિધિઓના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે, સરકારના સ્તરે હાલ એક એવી વ્યવસ્થા પર વિચારણા ચાલી રહી છે જેમાં કર્મચારીઓને પોતાનું પેન્શન માળખું (Pension Structure) પસંદ કરવાની વધુ સ્વતંત્રતા મળી શકે છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કર્મચારી સંગઠનોનો દાવો છે કે આગામી 2 થી 4 મહિનામાં આ દિશામાં કોઈ સકારાત્મક પ્રગતિ જોવા મળી શકે છે.
હાલ દેશમાં પેન્શનની શું છે સિસ્ટમ?
વર્તમાન સમયની વાત કરીએ તો, 1 જાન્યુઆરી 2004 પછી ભરતી થયેલા મોટાભાગના કેન્દ્રીય કર્મચારીઓ નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS હેઠળ આવે છે.
* NPS સિસ્ટમ: આ યોજના હેઠળ સરકાર અને કર્મચારી બંને સરખો હિસ્સો જમા કરાવે છે. નિવૃત્તિ (Retirement) પછી મળનારું પેન્શન સંપૂર્ણપણે બજારના પ્રદર્શન (માર્કેટ રિટર્ન) પર નિર્ભર કરે છે.
* OPS સિસ્ટમ: આ પહેલાં ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) અમલમાં હતી, જેમાં કર્મચારીને તેના છેલ્લા પગાર અને મોંઘવારી ભથ્થાના (DA) આધારે નક્કી કરેલા પેન્શનની ગેરંટી મળતી હતી.
* UPS સિસ્ટમ: તાજેતરમાં જ સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) ની પણ શરૂઆત કરી છે, જેમાં NPS અને OPS બંનેની ખાસિયતોને મિક્સ કરવાનો પ્રયાસ કરાયો છે.
કર્મચારી સંગઠનોની શું છે મુખ્ય માંગણીઓ?
હવે કર્મચારી સંગઠનો ઈચ્છી રહ્યા છે કે કર્મચારીઓને અલગ-અલગ પેન્શન વિકલ્પો પસંદ કરવાની સુવિધા આપવામાં આવે, જેથી તેમને નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા અને સ્પષ્ટતા મળી શકે. ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશન (AINPSEF) દ્વારા આ મુદ્દો 8મા પગાર પંચ સમક્ષ પણ ઉઠાવવામાં આવ્યો છે.
યુનિયનોના જણાવ્યા મુજબ, NPS હેઠળ પેન્શન સંપૂર્ણપણે શેરબજાર પર આધારિત હોવાથી કર્મચારીઓમાં ભવિષ્યને લઈને ચિંતા રહે છે. તેથી જ સુરક્ષિત પેન્શન અને OPS જેવી ગેરંટી માંગવામાં આવી રહી છે. આ સિવાય સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) ના નિયમોમાં પણ ફેરફાર કરવાની માંગ ઉઠી છે.
ક્યારે આવશે 8મા પગાર પંચની ભલામણો?
8મા પગાર પંચની ભલામણો આવતા વર્ષની એટલે કે 2027 ની પ્રથમ છમાસિકીમાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, સરકારે ગત વર્ષે આ પગાર પંચની રચના કરી હતી. ત્યારબાદ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પગાર પંચે એક સત્તાવાર વેબસાઇટ પણ લોન્ચ કરી છે. આ વેબસાઇટ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને તેમની સાથે જોડાયેલા સંગઠનો પાસેથી સૂચનો (Suggestions) મંગાવવામાં આવ્યા હતા. હાલ અલગ-અલગ કર્મચારી સંગઠનો સાથે પગાર પંચની બેઠકો ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ આયોગ પોતાની આખરી ભલામણો સરકારને સોંપશે.
આ પણ વાંચોઃ Google Engineer’s Fraud : કંપનીના ઈન્ટરનલ સર્ચ ડેટાથી કરી કરોડોની કમાણી D4vd પર લગાવ્યો દાવ
આ પણ વાંચોઃ સાહિત્યજગતમાં શોક : ઉર્દૂ ગઝલના ઉસ્તાદ ડૉ. બશીર બદ્રનું નિધન, ભોપાલમાં નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












