ટ્રેન્ડિંગવર્લ્ડ

અંધાધૂંધ ગોળીબારમાં 3 લોકોનાં અવસાન; હુમલાખોર ઝડપાયો

અમેરિકા, 12 ઓગસ્ટ 2025: અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. આ વખતે અમેરિકાના ટેક્સાસ રાજ્યની રાજધાની ઓસ્ટિનમાં ગોળીબાર થયો છે. અહીં એક બંદૂકધારીએ ‘ટાર્ગેટ’ કંપનીના એક સ્ટોરના પાર્કિંગ વિસ્તારમાં ગોળીબાર કરીને 2 પુખ્તવયના લોકો અને એક બાળકની હત્યા કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ ચોરાયેલી કારમાં નાસી છૂટ્યો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી લીધો છે.

પોલીસે શું કહ્યું?
ઓસ્ટિન પોલીસના વડા લિસા ડેવિસે જણાવ્યું કે શંકાસ્પદ આરોપી આશરે 30 વર્ષનો વ્યક્તિ છે, જેનો ‘માનસિક બીમારીનો ઇતિહાસ’ છે. પોલીસ હજુ હુમલા પાછળના હેતુની તપાસ કરી રહી છે. ડેવિસના જણાવ્યા અનુસાર, આરોપી પહેલા ચોરાયેલી કારમાં સવાર થઈને ઘટનાસ્થળેથી નાસી ગયો હતો, પરંતુ તે કાર અકસ્માતનો ભોગ બની. ત્યારબાદ તેણે બીજી કાર ચોરી લીધી. તેને લગભગ 30 કિલોમીટર દૂર દક્ષિણ ઓસ્ટિનમાં ઝડપી લેવાયો.

અગાઉ પણ થઈ છે ગોળીબારની ઘટનાઓ
લિસા ડેવિસે જણાવ્યું કે બપોરે પોલીસને સૂચના મળી હતી અને જ્યારે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે પાર્કિંગ વિસ્તારમાં ત્રણ લોકો ગોળી વાગેલી હાલતમાં મળી આવ્યા. તેમાંથી એક વ્યક્તિ તે જ હતો, જેની કાર પાર્કિંગ વિસ્તારમાંથી ચોરાઈ હતી. ‘ઓસ્ટિન-ટ્રેવિસ કાઉન્ટી ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ’ના જણાવ્યા અનુસાર, એક પુખ્ત અને એક બાળકનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું, જ્યારે બીજા એક પુખ્તનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. આ ગોળીબારની ઘટના માત્ર 2 અઠવાડિયા પહેલા મિશિગનમાં વોલમાર્ટના સ્ટોરમાં થયેલા આવા જ હુમલા બાદ બની છે.

આંકડા શું કહે છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 50 વર્ષમાં 15 લાખથી વધુ અમેરિકન લોકોના જીવ બંદૂક સંસ્કૃતિના કારણે ગયા છે. અમેરિકાની વસ્તી લગભગ 33 કરોડ છે, પરંતુ હથિયારોની સંખ્યા 40 કરોડથી વધુ છે. અમેરિકાના નિયમો અનુસાર, રાઇફલ કે નાની બંદૂકો ખરીદવા માટે ન્યૂનતમ વયમર્યાદા 18 વર્ષ છે, જ્યારે અન્ય હથિયારો માટે 21 વર્ષ છે. અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય છે.

આ પણ વાંચો : RBIનું મોટું પગલું: રૂપિયાને ટેકો આપતા ડોલર સેલ ઓપરેશન તેજ, 5 અબજ ડોલરના વેચાણની યોજના

Back to top button