સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 8 મજૂરોના મોત, 19ને બચાવવા મિથેન ગેસ વચ્ચે રેસ્ક્યૂ ચાલુ

8 Laborers Die In Sikkim Tunnel Accident: સિક્કિમના નામચી જિલ્લામાં સમારદુંગ-ઝોલુંગે વિસ્તારમાં નિર્માણાધીન ટનલમાં થયેલા અકસ્માતમાં અત્યાર સુધી 8 મજૂરોના મોત થયા છે. જિલ્લા પ્રશાસને મૃતદેહો બહાર કાઢ્યાની પુષ્ટિ કરી છે, જ્યારે હજુ પણ 19 મજૂરો ટનલની અંદર ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ દળો તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
આ ટનલ તીસ્તા સ્ટેજ-6 હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટનો ભાગ છે, જેનું નિર્માણ પટેલ એન્જિનિયરિંગ દ્વારા એનએચપીસી (NHPC) માટે કરવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ, મૃતકોના મૃતદેહોને ગંગટોકની એસટીએનએમ (STNM) હોસ્પિટલ અને નામચી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હાલ જિલ્લા પ્રશાસન, એનડીઆરએફ (NDRF), એસડીઆરએફ (SDRF), સિક્કિમ પોલીસ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, આરોગ્ય વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓ સંયુક્ત રીતે બચાવ કામગીરીમાં જોડાયેલી છે.
મેથેન ગેસ બન્યો સૌથી મોટો પડકાર
ટનલની અંદર મેથેન ગેસનું પ્રમાણ વધુ હોવાથી બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેસના ઊંચા સ્તરને કારણે બચાવકર્મીઓ હજુ સુધી તે સ્થળ સુધી પહોંચી શક્યા નથી, જ્યાં મજૂરો ફસાયેલા હોવાની આશંકા છે. કેટલાક બચાવકર્મીઓને જોખમને કારણે વચ્ચે જ પાછા ફરવું પડ્યું હતું.
ફસાયેલા લોકોની સંખ્યાની પુષ્ટિ બાકી
નામચીના જિલ્લા કલેક્ટર અનુપા તામલિંગે જણાવ્યું કે શરૂઆતમાં લગભગ 19 મજૂરો ફસાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ બચાવ માટે પટેલ એન્જિનિયરિંગના ત્રણ કર્મચારીઓ અંદર ગયા હતા, જેમાંથી બે પણ ફસાઈ ગયા હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત એનએચપીસીના છ કર્મચારીઓ પણ ટનલમાં હોવાની માહિતી છે. જોકે અંદરની પરિસ્થિતિ સ્પષ્ટ ન હોવાથી ફસાયેલા લોકોની ચોક્કસ સંખ્યાની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
વિસ્ફોટ જેવો અવાજ સાંભળ્યાનો દાવો
પ્રશાસનને હજુ સુધી ભૂસ્ખલનનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે ટનલમાંથી બહાર નીકળવામાં સફળ થયેલા કેટલાક મજૂરોએ જણાવ્યું કે અકસ્માત પહેલાં તેમણે અંદર વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ તેઓ તરત બહાર દોડી આવ્યા, પરંતુ અનેક મજૂરો અંદર જ ફસાઈ ગયા.
યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે રેસ્ક્યૂ
અકસ્માતની જાણ થતાં જ સિલિગુડી અને પાક્યોંગથી એનડીઆરએફની ટીમો તેમજ એસડીઆરએફને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. શરૂઆતમાં ફાયર સર્વિસ અને પોલીસના જવાનોએ સુરક્ષા સાધનો વિના ટનલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જોખમી પરિસ્થિતિને કારણે તેઓ મજૂરો સુધી પહોંચી શક્યા નહોતા. હાલમાં વિશેષ સુરક્ષા સાધનો અને ગેસ માસ્કની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલુ છે.
પ્રશાસનની પ્રથમ પ્રાથમિકતા ટનલમાં ફસાયેલા તમામ મજૂરોને સુરક્ષિત બહાર કાઢવાની છે. ત્યારબાદ સમગ્ર અકસ્માતની વિગતવાર તપાસ કરીને કારણો જાણી આગળ આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.












