ટ્રેન્ડિંગનેશનલ

બેંગલુરુમાં Zepto ડિલિવરી બોય પર હુમલો: રસ્તા પર લાતો અને મુક્કા માર્યા, વીડિયો વાઇરલ થતા પોલીસ એક્શનમાં

કર્ણાટકઃ 9 જાન્યુઆરી, 2026: બેંગલુરુમાંથી ડિલિવરી બોય સાથે મારપીટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર ઝેપ્ટોના ડિલિવરી બોયને માર મારતો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના 4 જાન્યુઆરીની રાત્રે અંદાજે 8 વાગ્યાની હોવાનું કહેવાય છે.

કેવી રીતે બની ઘટના?

ભોગ બનનાર ડિલિવરી બોયની ઓળખ દીપક કુમાર તરીકે થઈ છે. દીપક બેંગલુરુના કાગ્ગાદાસપુરા સ્થિત ઝેપ્ટોના ગોડાઉનથી ઓર્ડર લઈને ડિલિવરી માટે નીકળ્યો હતો. જ્યારે તે 29માં ક્રોસ જંક્શન પર વળાંક લઈ રહ્યો હતો, ત્યારે સામેથી હોન્ડા એક્ટિવા પર આવતા બે યુવકોએ અચાનક બ્રેક મારી હતી. બ્રેક વાગતા જ બંને યુવકો રોડ પર પડી ગયા હતા.

જાહેરમાં મારપીટ

કોઈપણ વાંક-ગુના વગર બંને યુવકોએ દીપક કુમાર પર હુમલો કરી દીધો હતો. આરોપ છે કે, બંને યુવકોએ દીપકના ચહેરા પર મુક્કા માર્યા અને તેને જમીન પર પાડી દીધો. ત્યારબાદ તેને લાતોથી નિર્દયતાપૂર્વક પીટવામાં આવ્યો. ત્યાં હાજર લોકોએ વચ્ચે પડીને બચાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, હુમલાખોરોએ મારપીટ ચાલુ રાખી હતી.

વીડિયો વાઇરલ થયા બાદ પોલીસની કાર્યવાહી

આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે 9 જાન્યુઆરીએ ફેસબુક પર વાયરલ થયો હતો. વીડિયો વાઇરલ થતા જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને ડિલિવરી કર્મચારીઓની સુરક્ષા અંગે સવાલો ઉભા થયા. આ વીડિયોના આધારે બેંગલુરુના બૈયપ્પનહલ્લી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ વીડિયો ફૂટેજની મદદથી આરોપીઓની ઓળખ કરી રહી છે.

 

Back to top button