RBI બાદ હવે વિશ્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં દેશના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. વિશ્વ બેંકના મતે આ વર્ષે ભારતનો GDP 6.5 ટકા રહેવાનો અંદાજ છે. અગાઉ, જૂન 2022 માં, વિશ્વ બેંકે જીડીપી 7.5 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વિશ્વ બેંકની બેઠક પહેલા સાઉથ એશિયા ઈકોનોમિક ફોકસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વિશ્વ બેંકે આ વાત કહી છે. જો કે, તેમનું માનવું છે કે ભારત બાકીના વિશ્વની તુલનામાં ઝડપથી સ્વસ્થ થઈ રહ્યું છે. દક્ષિણ એશિયા માટે વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી હંસ ટિમરે જણાવ્યું હતું કે કોવિડના પ્રથમ તબક્કામાં તીવ્ર ઘટાડા પછી ભારતે વિકાસની દ્રષ્ટિએ દક્ષિણ એશિયાના અન્ય દેશો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે ભારત પર કોઈ વિદેશી દેવું નથી જે સકારાત્મક બાબત છે. સાથે જ તેમણે કહ્યું કે, સર્વિસ સેક્ટરમાં ભારતનું પ્રદર્શન ખાસ કરીને સર્વિસ એક્સપોર્ટના ક્ષેત્રમાં સારું રહ્યું છે.
વૈશ્વિક સ્થિતિ ભારત સહિત તમામ દેશોને અસર કરી રહી છે, જેના કારણે વિકાસ દરનો અંદાજ ઘટાડવો પડ્યો છે. તેમણે કહ્યું કે વિશ્વ અર્થવ્યવસ્થામાં મંદીના સંકેતો છે. બીજા હાફ અન્ય દેશોની સાથે ભારત માટે પણ નબળો રહેશે. તેમણે કહ્યું કે આના બે કારણો છે. પ્રથમ, ઉચ્ચ આવક ધરાવતા દેશોની અર્થવ્યવસ્થાની વૃદ્ધિની ગતિ ધીમી પડી રહી છે, જ્યારે ચુસ્ત નાણાકીય નીતિને કારણે દેવું મોંઘું થઈ રહ્યું છે, જેના કારણે વિકાસશીલ દેશોમાંથી મૂડીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે.
અગાઉ, RBI દ્વારા 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ જાહેર કરાયેલ નાણાકીય નીતિમાં, તેણે 2022-23માં 7 ટકા GDPનો અંદાજ મૂક્યો હતો.