ગેનીબેન અને ચંદનજીને જીતાડવા રાધનપુરમાં મહિલાઓએ શરૂ કરી ભજન મંડળી
રાધનપુર, 03 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એકબાજુ ક્ષત્રિયોએ ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે તો બીજી બાજુ બે બેઠકો પર ઉમેદવારોને લઈને અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. બંને પક્ષોના અન્ય ઉમેદવારો પ્રચારમાં લાગી ગયાં છે. ત્યારે બનાસકાંઠામાં ગજબની પ્રચાર થીમ જોવા મળી છે.પાટણ લોકસભાની બેઠક પર કોંગ્રેસે ચંદનજી ઠાકોરને જ્યારે બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યાં છે. ત્યારે આ બન્ને ઉમેદવાર જીતે તે માટે હવે પ્રાર્થના કરવામાં આવી રહી છે.રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તોએ કોંગ્રેસના આ બન્ને ઉમેદવાર જીતે તે માટે પ્રાર્થના શરૂ કરી છે.
કોંગ્રેસના ઉમેદવાર જીતે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન
લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે પાટણના રાધનપુર તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર જીતે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુરના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તોએ પ્રાર્થના શરૂ કરી હતી. પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને વિજય બનાવવા માટે આ ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. પાટણના ચંદનજી અને ગેનીબેનના ફોટો સાથેના બેનર મૂકી મહિલાઓએ ભજન મંડળી શરૂ કરી હતી. બંનેની જીત માટે ‘બાપા’ની ભક્તિ કરી હતી. તાળી પાડો તો સદારામની રે બીજી તાળી ના હોય….’ આ પ્રકારના કીર્તન રજૂ કરીને પ્રાર્થના કરાઈ હતી.
ભજન-કીર્તન કરી ઉમેદવારોને જીતાડવા પ્રાર્થના
પ્રેમનગરમાં પ્રાર્થના કરતી મહિલાઓએ જણાવ્યું હતું કે સદારામ બાપાનાં ભજન-કીર્તન કરી પાટણ અને બનાસકાંઠાના ઉમેદવાર જીતે તે માટે પ્રાર્થના કરી હતી. ગેનીબેન અને ચંદનજી જીતે તે માટે આજે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સદારામ બાપાની મૂર્તિ રાખી અમે પાર્થના કરી હતી.સદારામ બાપા બન્ને ઉમેદવારોને જીતાડે તેવી અમે પાર્થના કરી છે. સદારામ બાપા એટલી દયા કરે કે પાટણના ચંદનજી અને બનાસકાંઠાના ગેનીબેન જીતે. અમને શ્રદ્ધા છે કે સદારામ બાપા બન્ને ઉમેદવારોને વીજયી બનાવશે.
આ પણ વાંચોઃબનાસકાંઠા બેઠક પર 12.33 લાખ મહિલા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે