વારાણસીની ચર્ચિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આજે ફરી સર્વેનું કામ થશે. શુક્રવારે ત્યાં પહોંચેલી ટીમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હિન્દુ પક્ષના વકીલનો દાવો છે કે મસ્જિદ પરિસરમાં હિન્દુ દેવી-દેવતાઓના પ્રતીક ચિન્હ મળ્યા છે.
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કાલે જે સમયે અને જે રીતે આ સર્વે થયો તે આજે પણ યથાવત રહેશે. ફક્ત આજે અલગ તે વાત થશે કે જ્ઞાનવાપી મસ્જિદમાં વિવાદિત ક્ષેત્રમાં વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરાશે. 27 સભ્યની સર્વે ટીમ આજે પરિસરમાં બેરિકેડિંગની અંદર જઈને સર્વે કરશે.
મસ્જિદ પરિસરમાં મોટી સંખ્યાં હિન્દુ દેવી-દેવતાઓના ચિન્હ મળ્યાઃહિન્દુ પક્ષના વકીલનો દાવો
શુક્રવારે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરની બહારના વિસ્તારનો સર્વે થયો. સર્વેનો તમામ રિપોર્ટ, વીડિયોગ્રાફી અને પુરાવાને જિલ્લા કોષાઘરમાં રાખવામાં આવશે. હિન્દુ પક્ષના વકીલનો દાવો છે કે શુક્રવારે થયેલા સર્વેમાં મસ્જિદ પરિસરમાં મોટી સંખ્યાં હિન્દુ દેવી-દેવતાઓના ચિન્હ મળ્યા છે.
હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે શનિવારે અમે બેરિકેડિંગની અંદર જઈશું. શુક્રવારે મોટી સંખ્યામાં હિન્દુ દેવી-દેવતાઓના ચિન્હ મળ્યાં છે. વિવાદિત સ્થળમાં શનિવારે જઈશું. શુક્રવારે સૂર્યાસ્ત થઈ જતાં તેઓ જઈ શક્યા ન હતા. 26 એપ્રિલનો ઓર્ડર મુજબ અમે બેરિકેડિંગની અંદર જઈશું, શનિવારે 3 વાગ્યે ફરી સર્વેની કામાગીરી શરૂ થશે.
આ પહેલાં શુક્રવારે સર્વે અને વીડિયોગ્રાફીનું કામ ભારે તણાવ વચ્ચે થયું. મુસ્લિમ પક્ષ આ સર્વેનો પહેલેથી વિરોધ કરી રહ્યાં છે. સર્વે ટીમ જ્યારે મસ્જિદની નજીક પહોંચી તો મોટી સંખ્યામાં લોકોએ નારાઓ લગાવ્યા. જો કે સઘન સુરક્ષા વ્યવસ્થાને કારણે સ્થિતિ કાબૂમાં રહી અને સર્વે ટીમ જ્ઞાનવાપી પરિસરમાં દાખલ થઈ હતી.
કોર્ટના નિર્ણય બાદ થઈ રહ્યો છે સર્વે
આ સર્વે વારાણસીની સિવિલ કોર્ટના ચુકાદા બાદ આવ્યો છે. આ ટીમને 10 મે પહેલા કોર્ટમાં પોતાનો રિપોર્ટ જમા કરાવવાનો છે. આ સર્વે કાશી વિશ્વનાથ કોરિડર પરિસરમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદની દીવાલ સાથે શૃંગાર ગૌરી મંદિરથી જોડાયેલા વિવાદને લઈને છે. પાંચ મહિલાઓએ મળીને કોર્ટમાં અરજી કરી હતી તેઓ માતા શૃંગાર ગૌરીની આરાધના નિયમિત રીતે કરવા માગે છે.
જ્ઞાનવપી મસ્જિદના સર્વેને લઈને જે વિવાદ છેડાયો છે, અને પક્ષ-વિપક્ષ તરફથી જે દાવો કરવામાં આવી રહ્યો છે તેમાં ભ્રમ વધુ અને સત્ય ઓછું છે.
શું છે વિવાદ?
હકિકતમાં શૃંગાર ગૌરી મંદિર આજની તારીખમાં માત્ર દીવાલ પર જ છે. આ મંદિર પરિસરનો મોટા ભાગનો હિસ્સો મસ્જિદ પરિસરમાં આવે છે. પહેલાં શૃંગાર ગૌરીની પરિક્રમા થતી હતી અને પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુ મસ્જિદ પરિસરમાં દાખલ થતા હતા. બાદમાં સુરક્ષાનો હવાલો આપીને પરિક્રમ બંધ કરી દેવાઈ.
સુરક્ષાના કારણે જ રોજ થતી પૂજા પણ બંધ કરી દેવાઈ. જે બાદ પૂજા વર્ષમાં એક વખત થશે તેવી વ્યવસ્થા કરાઈ. જો કે કાશી વિશ્વનાથ કોરિડોર બન્યા બાદ શૃંગાર ગૌરીની પૂજા હવે ફરીથી રોજ થવા લાગી છે. પરંતુ પરિક્રમ હજુ પણ શક્ય નથી. ત્યારે આ કારણે જ પાંચ મહિલાઓએ શૃંગાર ગૌરીની પૂજા અર્ચના પૂરાં વિધિવિધાનથી કરવાની માગને લઈને કોર્ટમાં પહોંચી છે.