ભારતને UNSCનું પ્રમુખપદ મળતા જાણો કેમ પાકિસ્તાનને પેટમાં દુખ્યુ

ભારતે તાજેતરમાં ડિસેમ્બર મહિના માટે સુરક્ષા પરિષદ (UNSC) નું પ્રમુખપદ સંભાળ્યું છે. જ્યારથી ભારત એ આ પદ સંભાળ્યું છે ત્યારથી પાકિસ્તાનના મંત્રીઓ આતંકવાદ મુદ્દે ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાન અવારનવાર ભારતના પ્રમુખપદ હેઠળ આતંકવાદને લઈને ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરે છે. ભારતે યુએનએસસીના ચૂંટાયેલા સભ્ય તરીકે તેના બે વર્ષના કાર્યકાળમાં બીજી વખત સુરક્ષા પરિષદનું પ્રમુખપદ સંભાળ્યું છે.
આ પણ વાંચો : સંયુક્ત રાષ્ટ્રએ ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટની કરી પ્રશંસા : વિશ્વની 10 મોટી પહેલોમાં સામેલ
દુનિયાની નજરમાં પોતાને નિર્દોષ બતાવવાના હેતુથી પાકિસ્તાન છેલ્લા કેટલાક દિવસોથી ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારના તમામ મંત્રીઓ પ્રેસ કોન્ફરન્સ કરીને ભારત વિરુદ્ધ ઉગ્ર નિવેદનો આપતા જોવા મળે છે. 14 ડિસેમ્બરના રોજ યુએનએસીની પ્રથમ બેઠક પહેલા જ યુએનના સભ્યોમાં દસ્તાવેજોનું વિતરણ કરતા પાકિસ્તાને કહ્યું કે, ‘ભારતીય એજન્સીઓએ લાહોરમાં હાફિઝ સઈદના ઘરે 2021ના બોમ્બ બ્લાસ્ટમાં માસ્ટરમાઇન્ડની ભૂમિકા ભજવી હતી.’

યુએનમાં ફરી ઉઠ્યો કાશ્મીરનો મુદ્દો, ભારતે જડબાતોડ આપ્યો જવાબ
આ ઉપરાંત બુધવારે સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોએ પણ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. બિલાવલે ભારત પર આરોપ લગાવ્યો હતો કે, જમ્મુ-કાશ્મીર પર ગેરકાયદેસર રીતે ભારતનો કબજો છે અને તે અહીંના લોકો પર અત્યાચાર ગુજારે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કાશ્મીર મુદ્દે યુએનએસસીના ઠરાવોને લાગુ કરવાની માંગ કરી હતી, સામે ભારતે તેનો જડબાતોડ જવાબ આપતા ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું હતુ કે, ‘જે દેશ ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીને આશ્રય આપે અને તેના પડોશી દેશની સંસદ પર હુમલો કરે છે તેને ઉપદેશ આપવો યોગ્ય નથી.’

પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રીએ કર્યો ભારતને ઘેરવાનો પ્રયાસ
આ સિવાય બુધવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે પણ ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. હિના રબ્બાની ખારે કહ્યું હતું કે, ‘ભારતીય ગુપ્તચર એજન્સી RAW એ છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનમાં 1200થી વધુ આતંકી હુમલાઓ કર્યા છે. ભારતથી વધુ કોઈ દેશે આતંકવાદનો ઉપયોગ કર્યો નથી અને ભારત પાકિસ્તાનને અસ્થિર કરવા માંગે છે તેથી આંતરરાષ્ટ્રીય સમુદાયે તેના પર ધ્યાન આપવું જોઈએ.’

પાકિસ્તાનના ગૃહમંત્રીએ પણ ભારત પર કર્યા આકરા પ્રહાર
વિશ્વની નજરમાં પાકિસ્તાનને નિર્દોષ સાબિત કરવાના અભિયાનમાં ગૃહપ્રધાન રાણા સનાઉલ્લાહે મંગળવારે ભારત વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરતાં કહ્યું હતુ કે, ‘અમારી પાસે પૂરતા પુરાવા છે કે ભારત પાકિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓ ચલાવી રહ્યું છે. સરકાર આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય ફોરમમાં પણ ઉઠાવશે. પાકિસ્તાન દાયકાઓથી આતંકવાદની આગમાં સળગી રહ્યું છે. અમારી મસ્જિદ, ઇમામબારા સહિતની મહત્વની ઇમારતોને નિશાન બનાવવામાં આવી રહી છે અને અમારી પાસે પૂરતા પુરાવા છે કે ભારત આમાં સામેલ છે.’

ભારતને બે વર્ષમાં બીજી વખત રાષ્ટ્રપતિ પદ મળ્યું
ઉલ્લેખનીય છે કે ભારતને બીજી વખત અસ્થાયી સભ્ય તરીકે રાષ્ટ્રપતિ પદ મળ્યું છે. આ પહેલા ઓગસ્ટ 2021માં ભારતને રાષ્ટ્રપતિ પદ મળ્યું હતું. સુરક્ષા પરિષદમાં કુલ 15 સભ્યો છે. તેમાં 5 કાયમી સભ્યો હોય છે, જ્યારે 10 હંગામી સભ્યો હોય છે. ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા તેના કાયમી સભ્યો છે. સુરક્ષા પરિષદના દરેક સભ્ય દેશ એક મહિના માટે કાઉન્સિલનું પ્રમુખપદ ધરાવે છે.