ધુમ્મસ અને વરસાદમાં નહીં પણ ઉનાળામાં કેમ થાય છે વધુ રોડ અકસ્માત? જાણો શું છે કારણ
નવી દિલ્હી, 27 મે: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક માર્ગ અકસ્માતમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા. આના એક દિવસ પહેલા લખનૌ-આગ્રા એક્સપ્રેસમાં બસમાં આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 11 લોકો ઘાયલ થયા હતાં. આના પણ એક દિવસ પહેલા અંબાલા પાસે એક ટ્રાવેલર્સ બસ ટ્રોલી સાથે અથડાઈ હતી, જેના પરિણામે 7 લોકોનાં મૃત્યુ થયા હતાં અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતાં. હાલમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે સામાન્ય રીતે લોકો માને છે કે ધુમ્મસ કે વરસાદમાં અકસ્માત થવાની શક્યતાઓ વધુ રહે છે. માર્ગ પરિવહન મંત્રાલયનાં ડેટા મુજબ આવું નથી. મોટાભાગના અકસ્માતો ઉનાળામાં જ થાય છે. વધુ માર્ગ અકસ્માતો પાછળનું કારણ શું છે, ટ્રાન્સપોર્ટ નિષ્ણાતો જણાવી રહ્યા છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા એક વર્ષમાં 4,12,432માં 16,849 લોકોનાં મૃત્યુ માર્ગ અકસ્માતોમાં થયા છે. સૌથી વધુ માર્ગ અકસ્માતો મે અને જૂન મહિનામાં થયા છે. મે મહિનામાં 43,307 અને જૂનમાં 39,432 માર્ગ અકસ્માત નોંધાયા હતાં. જેમાં મે મહિનામાં 16,791 અને જૂનમાં 14,762 લોકોએ જીવ ગુમાવ્યા હતાં.
તે જ સમયે, જો આપણે ધુમ્મસ વિશે વાત કરીએ, તો તે જાન્યુઆરીમાં સૌથી વધુ હોય છે. આ મહિનામાં 37,040 માર્ગ અકસ્માતોમાં 13,677 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો વરસાદની વાત કરીએ તો ઉત્તર ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડે છે. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ માર્ગ અકસ્માતો જુલાઈમાં થયા હતાં. 37,228 માર્ગ અકસ્માતોમાં 12,266 લોકોએ જીવ ગુમાવ્યા. આંકડા મુજબ, ધુમ્મસ અને વરસાદવાળા હવામાન કરતાં સ્પષ્ટ હવામાનમાં વધુ અકસ્માતો થાય છે.
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI)નાં પ્રિન્સિપાલ વિજ્ઞાની એસ.કે.પાંડે કહે છે કે જ્યારે રસ્તાઓ પર વધુ ટ્રાફિક હોય છે ત્યારે ત્યાં અકસ્માતની શક્યતાઓ વધી જાય છે. મે-જૂન મહિનામાં શાળાની રજાઓ શરૂ થાય છે અને લોકો ગામડાઓમાં કે ફરવા માટે બહાર જાય છે. આ રીતે રોડ પર ટ્રાફિક વધે છે અને રોડ અકસ્માતો વધુ થાય છે. તે જ સમયે, ધુમ્મસ અને વરસાદમાં ઓછી સંખ્યામાં લોકો બહાર જાય છે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવે છે, જેના કારણે અકસ્માતોની સંભાવના ઓછી છે.
આ પણ વાંચો: ભીષણ ગરમી અને લૂથી કેવી રીતે બચવું? સ્વાસ્થ્ય મંત્રાલયે આપી આ સલાહ