ટ્રેન્ડિંગનેશનલહેલ્થ

ભીષણ ગરમી અને લૂથી કેવી રીતે બચવું? સ્વાસ્થ્ય મંત્રાલયે આપી આ સલાહ

નવી દિલ્હી,27 મે: સ્વાસ્થ્ય મંત્રાલયે ભીષણ ગરમી અને હિટવેવથી સુરક્ષિત રહેવા માટે કાર્યસ્થળોને વિશેષ ટિપ્સ આપી છે.
હજુ 5 થી 6 દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ દિવસોમાં બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો સતત વધી રહેલા તાપમાનથી પરેશાન છે. આવા હવામાનમાં બહાર કામ કરતા લોકોની હાલત ખરાબ છે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નોકરીદાતાઓને તેમના કાર્યસ્થળ પર ગરમીથી બચાવવા માટે જરૂરી સલામતીનાં પગલાં અપનાવવા કહ્યું છે જેથી કર્મચારીઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.

હીટ વેવથી બચવા માટેની ટિપ્સ

તાપમાનમાં સતત વધારાને કારણે જનજીવનને ભારે અસર થઈ રહી છે. લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ગરમીના કારણે લોકોને દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ રાહત નથી. દેશના અનેક રાજ્યો અને શહેરોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી જવાનો અંદાજ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કાર્યસ્થળોને પણ આત્યંતિક ગરમી અને લૂથી પોતાને બચાવવા માટે જરૂરી સલામતીનાં પગલાં અપનાવવાની સલાહ આપી છે. જેથી કર્મચારીઓને કોઈ મુશ્કેલી ન પડે.

સ્વાસ્થ્ય મંત્રાલયે તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે નોકરીદાતાઓને કાર્યસ્થળ પર પીવાના પાણીની બરાબર સુવિધા આપવાનું કહ્યું છે. તેમજ કર્મચારીઓને દિવસની કડકડતી ગરમીમાં બહાર ડ્યુટી કરવાનું ટાળવા જણાવાયું છે. જ્યારે હવામાન ઠંડુ હોય ત્યારે જ આઉટડોર ડ્યુટી સુનિશ્ચિત કરો, કર્મચારીઓને આરામ કરવાની પણ મંજૂરી આપો.

ગરમી અંગે સ્વાસ્થ્ય મંત્રાલયનાં સૂચનો

સ્વાસ્થ્ય મંત્રાલયે એમ્પ્લોયરોને પણ સલાહ આપી છે કે તેઓ કર્મચારીઓને ગરમીથી સંબંધિત બિમારીઓનાં લક્ષણોને ઓળખવા માટે તાલીમ આપે. મંત્રાલયે જણાવ્યું હતું કે માથાનો દુખાવો, ચક્કર, ડિહાઇડ્રેશન અને શ્વાસ લેવામાં તકલીફ એ ગરમી સંબંધિત બીમારીનાં સામાન્ય લક્ષણો છે.

હીટસ્ટ્રોકનાં લક્ષણો

શરીરમાં પાણીની અછત, માથાનો દુખાવો, ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફ એ હીટ સ્ટ્રોકના સામાન્ય લક્ષણો છે. આ સિવાય હીટસ્ટ્રોકને કારણે ડાયેરિયા, ટાઈફોઈડ, સ્કિન ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ થવાની પણ શક્યતા રહે છે. ઉનાળામાં આ જોખમોથી પોતાને બચાવવા માટે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

આ લોકોને હીટ સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે

કેટલાક લોકોને હીટ સ્ટ્રોકનું જોખમ વધુ હોય છે. જે લોકો વધુ પડતો દારૂ પીવે છે, પૂરતું પાણી પીતા નથી અને હૃદય અને કિડનીનાં રોગોથી પીડાતા લોકો પણ સરળતાથી હીટસ્ટ્રોકનો શિકાર બને છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરોમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી

Back to top button