ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલને ચૂંટણી પ્રચારના નામે જામીન કેમ ન આપવા જોઈએઃ EDએ આપ્યાં કારણો

  • EDએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેજરીવાલને જામીન કેમ ન આપવા જોઈએ તેના અનેક કારણ રજૂ કર્યાં

નવી દિલ્હી, 9 મેઃ દિલ્હીના મુખ્યપ્રધાન અને શરાબ કૌભાંડના આરોપી અરવિંદ કેજરીવાલની જામીન માટેની અરજીનો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે એક નવી દલીલ સાથે વિરોધ કર્યો હતો.

EDએ સુપ્રીમ કોર્ટમાં એક અપીલ દાખલ કરીને જણાવ્યું કે, ચૂંટણી પ્રચાર કરવો એ કોઈ બંધારણીય અધિકાર નથી. જો ચૂંટણી પ્રચારના નામે કેજરીવાલને જામીન આપવામાં આવશે તો હવે પછી કોઇપણ નેતાની ધરપકડ કરવાનું મુશ્કેલ બની જશે.

ઈડીએ જણાવ્યું કે, અરજદાર અર્થાત અરવિંદ કેજરીવાલે જામીન અરજીમાં મુખ્ય કારણ લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરવાનું જણાવ્યું છે. તપાસ એજન્સીએ આ સંદર્ભમાં ચૂંટણીપંચ વિરુદ્ધ મુખ્તાર અંસારી કેસના 2017ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો જ હવાલો આપ્યો છે. એ ચુકાદામાં સ્વયં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ચૂંટણી પ્રચાર કરવો એ કોઈ બંધારણીય અધિકાર નથી કે પછી કાનૂની અધિકાર પણ નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેની અરજીમાં કહ્યું કે, અત્યાર સુધીની ઉપલબ્ધ માહિતી અનુસાર કોઈને પણ ચૂંટણી પ્રચાર માટે જામીન આપવામાં આવેલી નથી. વળી અરવિંદ કેજરીવાલ પોતે ચૂંટણી લડી રહ્યા નથી. કોઈ ઉમેદવાર પોતે કસ્ટડીમાં હોય તો પણ તેને પોતાને પોતાનો પ્રચાર કરવા માટે જામીન આપવામાં આવતા નથી.

ઈડીએ તેની અરજીમાં એવી દલીલ પણ કરી કે, 1977માં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અનુકુલ ચંદ્રા પ્રધાનના કેસમાં સુપ્રીમ કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં રહેલા વ્યક્તિને મત આપવાનો બંધારણીય અધિકાર પણ આપ્યો નહોતો. સુપ્રીમ કોર્ટે ત્યારે આ નિર્ણય કલમ 62(5) હેઠળ આપ્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેની અરજીમાં જણાવ્યું કે, દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 123 ચૂંટણી થઈ છે. જો ચૂંટણી પ્રચાર માટે નેતાઓને જામીન આપવાનું શરૂ થશે તો કદી કોઈ નેતાની ધરપકડ થઈ નહીં શકે અને તેમને ન્યાયિક અટકાયતમાં મોકલી શકાશે નહીં કેમ કે દેશમાં સતત ચૂંટણી ચાલતી રહે છે. ભારતના સંઘીય માળખામાં કોઈ ચૂંટણી નાની કે મોટી હોતી નથી. આ સંજોગોમાં દરેક નેતા એવો જ તર્ક રજૂ કરશે કે જો તેમને જામીન નહીં મળે તો તેમને ચૂંટણીમાં નુકસાન થશે. ઈડીએ જણાવ્યું કે, નાણાકીય ગેરરીતિઓના કેસમાં હાલ અનેક નેતાઓ ન્યાયિક અટકાયતમાં છે અને તેમના કેસ અલગ અલગ અદાલતોમાં ચાલી રહ્યા છે. ઘણા નેતા મની લોન્ડરિંગ કાયદાના કેસ વિના પણ જેલમાં હશે, એ સંજોગોમાં કોઈ એક નેતાને વિશેષ સવલત કેવી રીતે આપી શકાય?

આ પણ વાંચોઃ ડૉક્ટર સહિત સાત લાંચિયાની ધરપકડઃ જાણો કઈ હોસ્પિટલમાં ચાલતી હતી જિંદગી સાથે રમત?

Back to top button