સેવન સિસ્ટર્સની 14 બેઠકો પર મતદારો 19મીએ કોના તરફ ઝૂકશે?

HD News Desk (અમદાવાદ), 15 એપ્રિલ: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, આવી સ્થિતિમાં રાજકીય દળોએ તમામ તાકાત લગાવી દીધી છે. આ વખતે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જીત માટે 400 સીટોનો લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે વિપક્ષી પાર્ટીઓએ પણ ભાજપને વિજયરથને હરાવવાથી રોકવા માટે એકસાથે આવવાનો નિર્ણય કર્યો છે. આ વખતે ચૂંટણીમાં સૌની નજર નોર્થ ઈસ્ટ પર છે. આસામમાં CAA તો મણિપુરમાં હિંસાને કારણે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. જેની અસર નોર્થ ઈસ્ટની 15 બેઠક પર જોવા મળી શકે છે. નોંધનીય છે કે, પૂર્વોત્તરમાં સેવન સિસ્ટર્સ ઉપરાંત સિક્કિમ એમ કુલ 8 રાજ્યોમાં 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાની 15 બેઠક પર પ્રથમ ચરણની ચૂંટણી યોજાવાની છે.
સૌથી પહેલા અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો, હાલમાં ચીનની ઘૂસણખોરી રાજ્ય માટે જ નહીં પરંતુ દેશની સુરક્ષા માટે મોટો મુદ્દો બન્યો છે. ત્યારે પ્રદેશની બે બેઠક પૂર્વ અને પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી પાર્ટીઓએ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. પશ્ચિમ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર નબામ તુકી સામે ભાજપના ઉમેદવાર કિરેન રિજ્જુ છે. તો JDUએ રુહી તાંગુંગ આ સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019માં, બીજેપીના કિરેન રિજિજુ અરુણાચલ પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાંથી વિજેતા ઉમેદવાર હતા, તેમને 225796 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના નબામ તુકીને 50953 મત મળ્યા હતા. નબામ તુકી 174843 મતોથી હારી ગયા. જ્યારે પૂર્વ બેઠક પરથી ભાજપે તાપિર ગાઓને મેદાનમાં ઉતાર્યા છે.
આસામમાં પ્રથમ તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેમાં ડિબ્રુગઢ, જોરહાટ, લખીમપુર, સોનિતપુર અને કાઝીરંગાનો સમાવેશ થાય છે. BJPએ પાર્ટીના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલીની જગ્યાએ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ લુરીનજ્યોતિ ગોગોઈ સોનોવાલ સામે ચૂંટણી લડે તેવી શક્યતા છે. માનવામાં આવે છે કે ગોગોઈ અને સોનોવાલ વચ્ચે સીધો મુકાબલો થશે.જોરહાટ બેઠક પર આ વખતે ફરી ભાજપે તપન કુમાર ગોગોઈ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમની સીધી ટક્કર કોંગ્રેસના ગૌરવ ગોગોઈ સાથે થશે. સોનિતપુરથી 2024માં બીજેપીએ કોંગ્રેસના પ્રેમલાલ ગંજુ સામે નવા ઉમેદવાર રણજીત દત્તાને મેદાનમાં ઉતાર્યા છે. કાઝીરંગા બેઠક પરથી ભાજપે કામાખ્યા પ્રસાદ તાસાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે રોઝાલિના ટિર્કીને મેદાનમાં ઉતાર્યા છે. જોવાનું એ રહેશે કે, સીમાંકન બાદ બનેલી આ નવી લોકસભા બેઠક કોણ જીતે છે.
મણિપુરમાં સામુદાયિક હિંસાએ દેશભરમાં ધ્યાન ખેંચ્યું છે. આ વખતે કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં વારંવાર મણિપુર હિંસાનો મુદ્દો ઉઠાવ્યો છે. મણિપુરની એક બેઠક આંતરિક બેઠક પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે, આંતરિક મણિપુર મતવિસ્તાર માટેના ઉમેદવારોમાં ભાજપના થૌનાઓજમ બસંતકુમાર, કોંગ્રેસના અંગોમચા બિમોલ અકોઈજામ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવાલે)ના મહેશ્વર થૌનાઓજમ અને ત્રણ અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડશે.
મેઘાલયની બે બેઠકો શિલોંગ અને તુરા પર 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. શિલોંગ (ST) બેઠક પરથી ચૂંટણી લડનારા ઉમેદવારોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિન્સેન્ટ પાલા, વોટર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (VPP)ના રિકી એજે સિંગકોન, NPPના એમ્પેરાઈન લિંગદોહ અને યુનાઈટેડ ડેમોક્રેટિકના રોબર્ટજુન ખારજાહરીન છે. જ્યારે તુરા બેઠક પરથી કોંગ્રેસના સાલેંગ એ.સંગમા, NPPના અગાથા સંગમા, UDPના રોબર્ટજૂન ખારજાહિન મેદાનમાં છે.
મિઝોરમ લોકસભા બેઠક પરથી રાજ્યના શાસક જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) એ રિચાર્ડ વનલાલહમંગાઈહાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે મુખ્ય વિરોધ પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટે તેના રાજ્યસભા સાંસદ કે વનલાલવેનાને નોમિનેટ કર્યા છે. તો બીજેપીએ વનલાલહમુઅકા અને કોંગ્રેસે લાલબિયાકઝમાને ઉમેદવાર જાહેર કર્યા છે.
નાગાલેન્ડની એકમાત્ર લોકસભા બેઠક પરથી ત્રણ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસની આગેવાની હેઠળના INDI ગઠબંધને એસ સુપોંગમેરેન જામીરને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપની આગેવાની હેઠળના નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને પીપલ્સ ડેમોક્રેટિક એલાયન્સ (PDA) એ તેમના ઉમેદવાર તરીકે ચુમ્બેન મારીને મેદાનમાં ઉતાર્યા છે. એક અપક્ષ ઉમેદવાર હીથુંગ ટુન્ગો લોથા પણ ચૂંટણી લડી રહ્યા છે. સિક્કિમની એક બેઠક પરથી ભાજપે દિનેશ ચંદ્ર નેપાલ અને કોંગ્રેસે ગોપાલ છત્રીને ઉમેદવાર બનાવ્યા છે.
આ પણ વાંચો: સિતારે જમીં પરઃ પશ્ચિમ બંગાળમાં અનેક સેલિબ્રિટી ચૂંટણીના અખાડામાં ઊતર્યા