ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

કોણ બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ? ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષ બદલાશે?

  • રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે સી.આર. પાટીલ અને શિવરાજ સિંહ ચૌહાણનાં નામ ચાલતાં હતા, પણ એમનો સમાવેશ મોદી-3.0 સરકારમાં થશે તો?

નવી દિલ્હી, 9 જૂનઃ લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આજે 9 જૂનને રવિવારે સાંજે ત્રીજી વખતની મોદી સરકાર શપથ લઈ લેશે ત્યારે હવે સૌના મનમાં જે એક પ્રશ્ન ઘુમરાઈ રહ્યો છે તે એ કે- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? તેની સાથે જ ગુજરાતમાં પણ પક્ષના પ્રદેશ અધ્યક્ષ બદલાવના સંજોગો ઊભા થયા છે. દેશમાં અને રાજ્યમાં સંગઠનની જવાબદારી કોને મળશે?

ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની મુદત આમ તો આ વર્ષે જાન્યુઆરીમાં પૂરી થતી હતી પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નડ્ડાની મુદત ચાલુ મહિના સુધી, અર્થાત જૂન-2024 સુધી લંબાવવામાં આવી હતી. આજે હવે નડ્ડાનો સમાવેશ ફરીથી કેન્દ્રીય પ્રધાનમંડળમાં થઈ રહ્યો હોવાનું જણાય છે ત્યારે રાષ્ટ્રીય સ્તરની આ જવાબદારી કોને સોંપવામાં આવશે તે અંગે રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક અને ધારણાઓ શરૂ થઈ ગઈ છે.

આમ તો જે સમયે જે.પી. નડ્ડાની મુદત પૂરી થવાની ચર્ચા હતી ત્યારે ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવશે એવી ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. છેલ્લા ઘણાં વર્ષથી ગુજરાતમાં ભાજપને વિધાનસભાથી લઈને પંચાયતો સુધી જે રાજકીય સફળતા મળી રહી છે તેનું શ્રેય પાટીલને આપીને તેમને રાષ્ટ્રીય સ્તરે જવાબદારી સોંપવાની વાતો શરૂ થઈ હતી. અલબત્ત, આજે સવારે પીએમ મોદી સાથે નવા મંત્રીમંડળના સંભવિત સભ્યોની બેઠકમાં સી.આર. પાટીલ પણ ઉપસ્થિત હતા તેથી હવે તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતા નથી.

આ સંજોગોમાં હવે જે નેતાઓ બાકી રહ્યા તેમાં ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે. ભૂપેન્દ્ર યાદવને સંગઠનનો સારો અનુભવ છે અને તેઓ કુશળ પણ માનવામાં આવે છે. એ જ રીતે ધર્મેન્દ્ર પ્રધાનની સંગઠન કુશળતા પણ અનેક વખત પુરવાર થયેલી છે. જોકે, ભાજપના સૂત્રો માને છે કે, આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભૂપેન્દ્ર યાદવનું નામ સૌથી આગળ છે. જોકે, એક તબક્કે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનું નામ પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વહેતું થયું હતું, પરંતુ હવે એવું લાગે છે કે તેમનો સમાવેશ પણ મોદીની ત્રીજી સરકારમાં થઈ રહ્યો છે.

અલબત્ત, ભાજપ માટે અને તેમાંય ખાસ કરીને નરેન્દ્ર મોદી હજુ સર્વોચ્ચ નેતા છે ત્યાં સુધી સરકારમાં કે સંગઠનમાં કોને – ક્યારે – કઈ અને કેવી જવાબદારી સોંપાશે તેની અટકળો અને ધારણાઓ કરવાનું જરાય સહેલું નથી.

એક તબક્કે, ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ મોરચાને ચોથી જૂને ધાર્યા જેટલી બેઠક નહોતી મળી ત્યારે અમુક ઉત્સાહી રાજકીય સમીક્ષકોએ તો અમિત શાહને ફરી રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવશે એવી અટકળો શરૂ કરી દીધી હતી. આ અંગે આ કથિત સમીક્ષકોની દલીલ હતી કે, ભાજપનું પરફોર્મન્સ, ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં બગડ્યું છે તેથી અમિત શાહને સરકારને બદલે સંગઠનમાં કામ કરવા પરત મોકલવામાં આવશે. પરંતુ અમિત શાહનો પણ મોદી-3.0માં સમાવેશ થયો હોવાથી રાજકીય સમીક્ષકોની એ અટકળોનું પણ બાષ્પીભવન થઈ ગયું છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના “ખટાખટ” ચૂંટણી વચનને લાંચ ગણીને કોર્ટમાં પડકારવામાં આવ્યું

Back to top button