કોણ છે એ ક્રિકેટર? જેમને આંબેડકર પણ હીરો માનતા અને જેમના પર બની રહી છે ફિલ્મ
- પાલવણકર બાલુ એ એક એવા ખેલાડી હતા કે તેમના સમયમાં સમગ્ર બ્રિટિશ ક્રિકેટ સમુદાય તેમનો ચાહક બની હતો
HD ન્યૂઝ ડેસ્ક, 31 મે: દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા ક્રિકેટની પૃષ્ઠભૂમિ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મ એવા ક્રિકેટર પર આધારિત છે જેમને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પણ પોતાના હીરો માનતા હતા. આ ફિલ્મ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના પુસ્તક ‘એ કોર્નર ઑફ અ ફોરેન ફીલ્ડ’(A Corner of a Foreign Field) પર આધારિત હશે. આ પુસ્તક પાલવણકર બાલુ(Palwankar Baloo) નામના ખેલાડી અને તેના ભાઈઓના જીવન પર આધારિત છે. તેમના સમયમાં સમગ્ર બ્રિટિશ ક્રિકેટ સમુદાય તેમની બોલિંગ (બોલર)નો ચાહક બની ગયો હતો.
#AjayDevgn to star in biopic of India’s first Dalit cricketer Palwankar Baloo; to be helmed by Tigmanshu Dhuliahttps://t.co/c21qbtLGD2
— BollyHungama (@Bollyhungama) May 31, 2024
1876માં પૂનામાં જન્મેલા પાલવણકર બાલુ બ્રિટિશ સૈનિકોને ક્રિકેટ રમતા જોઈને મોટા થયા હતા. તેમના પિતા પૂનાની આર્મ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા અને નાનો બાલુ મેદાન પાસે બેસીને તેની પાસે આવતા બોલ ઉપાડીને પાછો મેદાનમાં ફેંકી દેતો હતો, તે કચરામાં પડેલા દડા ઘરે ઉપાડી લાવતો હતો અને તેના નાના ભાઈ શિવરામ સાથે ઘરે રમવાનો પ્રયાસ કરતો હતો.
ક્રિકેટના મેદાનમાં પ્રથમ પ્રવેશ
1892માં પાલવણકર બાલુએ બ્રિટિશ પૂના ક્રિકેટ ક્લબમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ, જ્યારે એક અંગ્રેજ બેટ્સમેનને પ્રેક્ટિસ કરવા માટે કોઈ બોલર ન દેખાયો, ત્યારે તેણે નજીકમાં ઊભેલા બાલુને બોલ ફેંકવા કહ્યું. બાલુની સનસનાટ બોલિંગ સામે અંગ્રેજ બેટ્સમેનને તેના સ્ટમ્પ બચાવવા મુશ્કેલ થઈ ગયા હતા, બીજા દિવસે આખી ટીમના હોઠ પર બાલુનું નામ હતું. ટીમે તેને નિયમિત પ્રેક્ટિસ બોલર તરીકે રાખ્યા. આ સમય દરમિયાન, તેણે પ્રખ્યાત બ્રિટિશ ઝડપી બોલર બાર્ટનને પોતાના ગુરુ બનાવ્યા અને તેમની પાસેથી યુક્તિઓ શીખીને, તેણે તેની બોલિંગમાં વધુ ધાર લાવી.
પૂનામાં તે સમયે એક હિન્દુ ક્લબ હતી, જે શહેરમાં યુરોપિયનો સામે મેચ રમતી હતી. બાલુની ચર્ચા આ ક્લબ સુધી પણ પહોંચી ગઈ હતી. આ ક્લબને તે સમયે એક સારા બોલરની જરૂર હતી, આવી સ્થિતિમાં હિન્દુ ક્લબની નજર પાલવણકર બાલુ પર પડી. જેથી બાલુનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
પાલવણકર બાલુનો ક્રિકેટ ઇતિહાસ
બાલુને ટીમમાં સામેલ કરવામાં આવ્યા. 1911માં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ જવાની હતી. આ વર્ષે, પ્રથમ વખત, એક ટીમ ઈંગ્લેન્ડ મોકલવામાં આવી હતી જેમાં પારસીઓની સાથે હિન્દુઓનો પણ સમાવેશ થયો હતો, પરંતુ ટીમમાં જૂથવાદને કારણે ટીમ સતત મેચ હારી રહી હતી. ટીમે માન્ય અંગ્રેજી કાઉન્ટી ટીમો સામે 14 મેચ રમી હતી. ટીમ આમાંથી માત્ર બે જ મેચ જીતી શકી હતી, બે ડ્રો રહી હતી. પરંતુ, આ ભારતીય ટીમમાં એક એવો ખેલાડી બાલુ જ હતા જે આ સમયગાળા દરમિયાન ઘણા પ્રભાવશાળી હતા. તે એક એવા બોલર હતા, જ્યારે તે બોલિંગ કરવા જતો ત્યારે ઈંગ્લિશ ટીમ તેનો સામનો કરી શકતી ન હતી. તેના દડા તીરની જેમ નીકળતા હતા. જેને કારણે બેટ્સમેન એ સમજી શકતો ન હતો કે બોલ હવામાં કઈ બાજુ વળશે. એક પ્રવાસમાં 114 વિકેટ લઈને તેણે બનાવેલો રેકોર્ડ હજી તૂટ્યો નથી, પરંતુ એકલા વ્યક્તિથી ટીમ કેવીરીતે જીતી શકે અને ટીમ હારી ગઈ.
એકંદરે, 15 સપ્ટેમ્બર 1911ના રોજ જ્યારે પાલવણકર બાલુ ઈંગ્લેન્ડથી પરત ફર્યા ત્યારે ભારતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, ક્રિકેટના મેદાન પર તેના અસાધારણ પ્રદર્શનથી, બાલુ અસંખ્ય લોકોનો હીરો અને પ્રેરણા બની ગયો હતો. જેમાંથી એક 20 વર્ષના ભીમરાવ આંબેડકર પણ હતા. એવું કહેવાય છે કે, પાલવણકર બાલુને ઈંગ્લેન્ડથી પરત ફરતા એક સન્માન સમારંભમાં આપવામાં આવેલા સન્માનના પ્રમાણપત્રના લેખક આંબેડકર પોતે હતા, અર્થાત એ સન્માનપત્રનું લખાણ બાબાસાહેબે પોતે લખી આપ્યું હતું.