જુલાઇમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી દળોએ ભાજપની આગેવાની હેઠળના નેશનાલિસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને પડકારવા માટે એક સામાન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારવાની ચર્ચા શરૂ કરી દીધી છે. આ મામલાની શરૂઆત દેશમાં હાલ પ્રવર્તમાન કોમી હિંસાની ઘટનાઓ સામે વિપક્ષની સર્વસંમતિથી થઈ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી અને કેન્દ્રની ભાજપ સરકારની રણનીતિ અંગેની ચર્ચા માટે તમામ વિપક્ષો મેની શરૂઆતમાં બેઠક યોજે તેવી અપેક્ષા છે.
તેલંગાણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ અને મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવે વિપક્ષી ઉમેદવાર માટે સમર્થન મેળવવા બીજુ જનતા દળ (બીજેડી) ને સાથે લાવવા પક્ષના નેતાઓને નિયુક્ત કર્યા છે. તમને જણાવી દઈએ કે બીજેડી મોદી સરકારને મુદ્દા આધારિત સમર્થન આપી રહી છે. બીજેડીએ 2019માં સંસદમાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ અને ટ્રિપલ તલાક સહિતના મહત્વના કાયદાઓની તરફેણમાં મતદાન કર્યું હતું. જોકે, વિપક્ષને લાગે છે કે તે બીજેડી પ્રમુખ નવીન પટનાયકને મનાવી શકે છે. માધ્યમોના અહેવાલ મુજબ, એક વરિષ્ઠ વિપક્ષી નેતાએ કહ્યું, “TRSના વડાએ વાતચીત શરૂ કરી છે. આ તો માત્ર શરૂઆત છે અને આપણે એકબીજા સાથે વાત કરતા રહેવાની છે.” ઉલ્લેખનીય છે કે, રાવ દ્વારા હાલમાં જ કૃષિ કાયદાઓ મામલે દિલ્હીમાં કેન્દ્ર સરકાર વિરૂધ બંડ પોકારવામાં આવ્યો હતો અને આ મામલો જ રાવની આગળની મહેચ્છા પ્રગટ કરે છે.
આ પણ વાંચો – ગુજરાત ATS અને DRI નો સપાટો, ફરી ઝડપાયું અધધધ 2500 કરોડનું ડ્રગ્સ
સાથે સાથે ડાબેરી પક્ષોએ પણ રાષ્ટ્રપતિ પદ માટે સામાન્ય ઉમેદવારને લઈને વાતચીત શરૂ કરી દીધી છે. CPI નેતા ડી રાજા મંગળવારે રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે RJDના તેજસ્વી યાદવને મળ્યા હતા. રાજાએ કહ્યું, “ડાબેરી પક્ષો હંમેશા એનડીએના ઉમેદવાર સામે વિરોધ પક્ષના ઉમેદવારને ઉભા રાખવાના પક્ષમાં રહ્યા છે. આ સમય પણ તેનાથી અલગ નહીં હોય. અમે વાતચીત શરૂ કરી છે અને અમે સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરીશું.
2017ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિરોધ પક્ષો દ્વારા એનડીએના ઉમેદવાર રામ નાથ કોવિંદ વિરુદ્ધ લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મીરા કુમારને સમર્થન આપવા માટે ભેગા થયા હતા. જો કે, કોવિંદ કુલ 65.65% મતો સાથે ચૂંટણી જીત્યા હતા. સતત ચૂંટણી પરાજયને કારણે કોંગ્રેસનું કદ ઝડપથી ઘટતું હોવાથી વિપક્ષી છાવણી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર સર્વસંમતિ બનાવવા માટે પ્રાદેશિક પક્ષો પર આધાર રાખી રહ્યા છે.
આ પણ વાંચો – ભારતમાં કેમ થઇ રહી છે, PM બોરિસ જ્હોન્સન માફી માગે તેવી માંગ
2022ની રાષ્ટ્રપતિની ચૂંટણી વિપક્ષી એકતા માટે નિર્ણાયક રહેશે તેવું રાજકિય તજજ્ઞ માની રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ ભાજપને ટક્કર આપવા માટે તક શોધી રહી છે. 2017ની રાષ્ટ્રપતિની ચૂંટણી પછી ભાજપે શિરોમણી અકાલી દળ, શિવસેના અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સહિતના સાથી પક્ષોને ગુમાવ્યા છે. ત્યારે આ વખતની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી એ સંખ્યાઓની રમત અને વિપક્ષી એકતાની કસોટી કરશે.