ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા સાથે સંબંધ ધરાવતા પોલીસ ઇન્સ્પેકટર જી. એચ. દહિયાને આજરોજ ગૃહવિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જી. એચ. દહિયાના ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાના વહીવટદાર તરીકે પોલીસ બેડામાં જાણીતા હતા. આ મહિનાના અંતમાં પોલીસ વડા નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દહિયા ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા. તેમની ઉપર કબૂતરબાજ ભારત પટેલ ઉર્ફે બોબી પાસેથી રૂપિયા 30 કરોડ લીધા હોવાની ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી અને હવે વધુ કાર્યવાહી કરવા માટે અન્ય પોલીસ અધિકારીઓના ટ્રેક રેકોર્ડ પણ માંગવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : દિલ્હીમાં મહિલા આયોગ અધ્યક્ષ જ અસુરક્ષિત : સ્વાતિ માલિવાલને કારે 15 મીટર સુધી ઢસેડ્યા
આશિષ ભાટિયા હવે નિવૃત્ત થવાના છે ત્યારે આ સમયે તેઓ વિવાદમાં સપડાયા છે. ગૃહ વિભાગ ધ્વારા દહિયા ને બદલી સાથે સસ્પેન્ડ કર્યા હોવા છતાં આશિષ ભાટિયા એ નિર્ણય લેવામાં ખૂબ જ વિલંબ કર્યો એટલે જ આશિષ ભાટિયા અને દહિયાની ગાઢ મૈત્રી આજે ફરી ચર્ચાનો વિષે બન્યો છે સાથે આશિષ ભાટિયા પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કબૂતરબાજીમાં મોટો ખેલ કર્યો હોવાનો દહિયા પર આરોપ છે.
ભરત પટેલ ઉર્ફે બોબી ગુજરાત રાજ્યનો સૌથી મોટો કબૂતરબાજ થોડા સમય પહેલા જ સ્ટેટ મોનીટરીંગ સેલના સકંજામાં આવ્યો હતો, અન્ય કેસ માં પણ ટે ગણા સમયથી ફરાર હતો ત્યારે રાજ્યના પોલીસ વડાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપી હતી અને આ તપાસના અધિકારી દહિયા હતા. બૉબીની ધરપકડ વખતે તેની પાસે થી 69 પાસપોર્ટ મળી આવ્યા હતા.
આ તપાસ ની શરૂઆત થી દહિયાની ભૂમિકા શંકાસ્પદ રહી હતી, પાસપોર્ટ તપાસ વખતે બોબી સહિત 18 શખ્સો સામે અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. સોલા પોલીસ સ્ટેશનમાં દહિયા તપાસ અધિકારી ન હોવા છતાં એક રાત તેમણે ફરજ બજાવી હતી, આ માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ ને થતાં ઉચ્ચ અધિકારીઓએ ખાતાકીય તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં દહિયા સામે અનેક પુરાવા હાથ લાગ્યા હતા. જે પછી એડિશનલ ડીજી નિરજાએ ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાને પત્ર લખી દહિયા સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. આશિષ ભાટિયા એ કોઈ કાર્યવાહી ન કરતાં ગૃહ વિભાગે દહિયાને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.
આ પણ વાંચો : “આપની સરકાર આપના દ્વાર”, બનાસકાંઠા કલેકટરે યોજી રાત્રિ સભા
દહિયાના સસ્પેન્શન બાદ અન્ય અધિકારીઓના પણ ટ્રેક રેકોર્ડ ગૃહ વિભાગ દ્વારા માંગવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ઊંડી તપાસ થશે તો પોલીસ બેડાના મોટા નામ ખૂલે એવી આશંકા સેવાઇ રહી છે. હવે આ મામલે ગૃહ વિભાગ આશિષ ભાટિયાની પણ પૂછપરછ કરે છે કે પછી વય નિવૃત્તિ સાથે આ મામલા ને પણ નિવૃત્ત કરે છે તે જોવું રહ્યું.