ગત શુક્રવારે સાંજે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ સાથે બે કલાક સુધી મેરેથોન બેઠક કર્યા બાદ અચાનક જ રાજ્યની તમામ જેલોમાં પોલીસ દ્વારા સ્ટ્રાઈક કરવામાં આવી હતી. ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ દ્વારા અલગ-અલગ જેલોમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન મોટાપાયે મોબાઈલ ઉપરાંત નશીલા પદાર્થો જેવા કે ચરસ, ગાંજો, અફીણ સહિત મળી આવ્યા હતા. કહેવાય છે કે આ સ્ટ્રાઈકની અગાઉથી કોઈપણ અધિકારીને જાણ કરવામાં આવી ન હતી.
આ પણ વાંચો : ISRO ની મોટી સફળતા, 36 ઉપગ્રહો અને 6 દેશોની કંપનીઓના ઉપગ્રહ લોન્ચ કર્યા
પોલીસના ચેકિંગમાં અલગ-અલગ જેલમાંથી 26 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા. આ ઉપરાંત સુરતની લાજપોર જેલમાંથી ચરસ-ગાંજાની 10 પડીકી, સાબરમતિ જેલમાંથી ગાંજાના 14 પેકેટ મળી આવ્યા હતા. ગાંજો મંગાવનાર કેદી અને તેના સુધી પહોંચાડનાર જેલકર્મી સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. અન્ય જેલોમાંથી પણ સીગરેટ, ગુટખા સહિતની અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. હજુ સુધી આ બાબતે કોઈ મોટી કાર્યવાહી થઈ નથી. રાજ્યની વિવિધ જેલોમાં શુક્રવારે મોડી રાત્રે થયેલી સરપ્રાઈઝ ચેકિંગ સવાલોના ઘેરામાં પણ છે. મળતી માહિતી મુજબ આ સરપ્રાઈઝ તપાસ કાર્યવાહીના સમાચાર પહેલાથી જ લીક થઈ ગયા હતા. લાજપોર જેલમાં કરાયેલ સર્ચમાં જે બન્યું તેના પરથી આ સવાલો ઊભા થયા છે. શક્ય છે કે કેદીઓએ જેલમાં આગ લગાવીને પ્રતિબંધિત સામાન સળગાવી દીધો હોય અને બાકીનો સામાન બેરેકની વચ્ચે લાવારિસ હાલતમાં ફેંકી દીધો હોય. હવે આગળ આ અંગે જેલતંત્ર પર ગૃહવિભાગ કાર્યવાહી કરે છે કે કેમ તે આગામી સમયમાં જોવું રહ્યું.