ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યની 17 જેલોમાં વીડિયો કેમેરા સાથે સર્ચ ઓપરેશન, સીએમ અને હર્ષ સંઘવીની સતત વોચ

Text To Speech

રાજ્યભરમાં સાબરમતી સહિત 17 જેલમાં પોલીસ વિભાગે અચાનક જ દરોડા પાડી સર્ચ કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગની આ કાર્યવાહી વીડિયો કેમેરા સાથે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે સાંજે અચાનક પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી હતી તે અંગે હજુસુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. દરમિયાન આ બેઠક પુર્ણ થયા બાદ રાજ્યભરમાં જેલની અંદર એક સાથે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ રાજ્યભરમાં જેલોની અંદર તપાસ ચાલી રહી છે. ત્યારે આ સમગ્ર કાર્યવાહી ઉપર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

તમામ અધિકારીઓના મોબાઈલ લઈ લેવાયા !

ગૃહ અને પોલીસ વિભાગના કેટલાક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા બેઠક બાદ રાજ્યભરમાં જેલોની અંદર પોલીસે તપાસ શરૂ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જેલમાં તપાસ પહેલા અધિકારીઓના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.

અધિકારીઓને બોડીવોર્મ કેમેરા અપાયા

સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને જોતા ગૃહ વિભાગમાંથી કડક સૂચના આપવામાં આવી હોય અને કોઈને પણ બક્ષવામાં ન આવે તેવા સ્પષ્ટ આદેશ અપાયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જે અધિકારીઓ અને પોલીસકર્મીઓ જેલમાં તપાસ માટે પહોંચ્યા છે તેમને બોડીવોર્મ કેમેરા આપવામાં આવ્યા છે.

જેલમાં થતી કથિત પાર્ટીઓ પર દરોડા ?

ઉલ્લેખનીય છે કે, ઘણી વખત એવા આરોપો થઈ રહ્યા છે કે જેલની અંદર પાર્ટીઓ કરવામાં આવી રહી છે ઉપરાંત કેદીઓને દરરોજ અધિકારીઓ દ્વારા અનેક બાબતોએ મદદ કરવામાં આવી રહી છે ત્યારે આ કથિત આરોપોને લઈ પણ વધુ તપાસ શરૂ થઈ રહી છે.

Back to top button