અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

બજેટમાં ગુજરાતના ચાર મોટા શહેરોને શું મળ્યું? જાણો કઈ જાહેરાત નવી છે

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2024, આજે ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યનું 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ચાર શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે સરકારે મોટી જાહેરાતો કરી છે. જેમાં ગિફ્ટી સિટીના વિસ્તારનો વધારો કરી ગ્રીન સિટી બનાવવાની જાહેરાત સરકારે કરી છે. તેમજ ચારેય શહેરોમાં ટ્રાફિકની સમસ્યાને લઈ પણ મોટી જાહેરાત કરાઈ છે. ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે ઉભરી રહ્યું છે. 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીના સપનાના શહેર તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે.

રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે 100 કરોડની જાહેરાત
ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને વોક ટુ વર્ક, લિવ-વર્ક-પ્લે કમ્યુનિટીની કલ્પના સાકાર થશે. આ વિકાસ કાર્યોમાં 4.5 કિમી લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી અને સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થાય છે. ગિફ્ટ સિટીમાં ફિન-ટેક હબની સ્થાપના માટે 52 કરોડ અને ગિફ્ટ સિટી નજીક રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે 100 કરોડની જાહેરાત કરી છે.

અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ 38.2 કિમી થશે
અમદાવાદ રિવરફ્રન્ટનો વિસ્તાર કરાશે. ઈન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરી કુલ લંબાઈ 38.2 કિ.મી. થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટ તરીકે થશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી મુશ્કેલી છે. જેના વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઉભી કરાશે. આ યોજના માટે 57 કરોડની જોગવાઈ કરાઇ છે.

હાઈસ્પીડ કોરીડોર માટે 222 કરોડની જાહેરાત
ભારે ટ્રાફિક ધરાવતા હાઇવેને હાઈસ્પીડ કોરીડોર તરીકે અંદાજિત 3100 કરોડના ખર્ચે વિકસાવવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત સહિત 6 હાઇસ્પીડ કોરીડોર વિકસાવવા માટેની કામગીગી હાથ ધરવામાં આવી રહી છે. જેના માટે 222 કરોડની જોગવાઈ છે.

ચારેય શહેર માટે આ પણ જાહેરાત

  • અમદાવાદ અને સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1800 કરોડની જોગવાઈ
  • સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે સેન્ટર ફોર એક્સલન્સ બનાવવા આવશે, રાજ્ય સરકારે બજેટમાં 7 કરોડની કરી ફાળવણી
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત શહેરી ગરીબોને ઘર આપવા માટે 1323 કરોડની જોગવાઈ
  • અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત શહેરી વિસ્તારોને રેલવે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવરબ્રિજ/અંડર બ્રિજ બાંધવા  550 કરોડની જોગવાઈ
  • સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત 2.0 હેઠળ પ્રવાહી અને ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે 545 કરોડની જોગવાઈ
  • મહાનગરપાલિકા/નગરપાલિકાઓની મિલકતોને પુન: પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો દ્વારા સંચાલિત કરવા, એનર્જી ઓડિટ કરાવવા અને સંલગ્ન કામો માટે 150 કરોડની જોગવાઈ
  • મહાનગરપાલિકા/નગરપાલિકાઓની મિલકતોના વાર્ષિક દેખરેખ અને નિભાવ (O&M) માટે 100 કરોડની જોગવાઈ
  • મહાનગરોમાં મોડલ ફાયર સ્ટેશનો વિકસાવવા તથા નવા સાધનોની ખરીદી, દેખરેખ, તાલીમ અને સતત ક્ષમતા વિકાસ તેમજ આધુનિકીકરણ માટે 69 કરોડની જોગવાઈ
  • અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ શહેરી વિસ્તારોની કામગીરીમાં ITનો ઉપયોગ કરી તંત્રને સુદ્રઢ બનાવવા વિશેષ કેડરના વિસ્તરણ માટે 14 કરોડની જોગવાઈ
  • ઇ-નગર પોર્ટલને 2.0 સુધી સંવર્ધિત કરવા અને મ્યુનિસિપલ સેવાઓની પહોંચમાં સુધારો કરવા માટે 50 નવા શહેર નાગરિક કેન્દ્રોની સ્થાપના માટે 10 કરોડની જોગવાઈ
  • હાઈકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજયની અદાલતોમાં તમામ સ્તરે કોમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઇઝેશન માટે 20 કરોડની જોગવાઇ.
  • અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત શહેરી વિસ્તારોમાં CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ VISWAS Project માટે 120 કરોડની જોગવાઈ.

આ પણ વાંચોઃબજેટમાં GIFT CITY માટે મોટું એલાન, 3300 એકરમાં પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવાશે

Back to top button