PM મોદીએ 18મી લોકસભાને ભગવદ્દ ગીતા સાથે સાંકળીને શું કહ્યું?
નવી દિલ્હી, 24 જૂન, 2024: નવી ચૂંટાયેલી લોકસભાના સત્રનો આજે પ્રારંભ થયો હતો. ભારતીય સંસદીય ઇતિહાસની આ 18મી ચૂંટાયેલી લોકસભા છે અને તેનું પહેલું જ સત્ર આજે શરૂ થયું છે, જેમાં મુખ્યત્વે સાંસદોની શપથવિધિ તથા રાષ્ટ્રપતિ દ્વારા બંને ગૃહના (લોકસભા અને રાજ્યસભા)ના સંયુક્ત સત્રને સંબોધન કરવામાં આવશે, ત્યારબાદ સત્રની કામગીરી શરૂ થશે. જોકે, લોકસભાના દરેક સત્ર પહેલાં જે તે વડાપ્રધાન પરંપરાગત રીતે સંસદ ગૃહની બહાર મીડિયાને સંબોધિત કરે છે. તે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સત્ર શરૂ થતા પહેલાં મીડિયાને સંબોધન કર્યું હતું અને તેમાં તેમણે 18મી લોકસભાને ભગવદ્દ ગીતાના 18 અધ્યાય સાથે સાંકળીને મહત્ત્વપૂર્ણ વાતો કહી હતી.
પીએમ મોદીએ જણાવ્યું કે, સંસદીય લોકશાહીમાં આજનો દિવસ ગૌરવપૂર્ણ છે, આ વૈભવનો દિવસ છે. આઝાદી પછી પહેલીવાર આ શપથ સમારંભ આપણી નવી સંસદમાં થઈ રહ્યો છે. અત્યાર સુધી આ પ્રક્રિયા જૂના ગૃહમાં થતી હતી. આ મહત્ત્વપૂર્ણ દિવસે, હું નવા ચૂંટાયેલા તમામ સાંસદોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, તેમને અભિનંદન આપું છું અને તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું.
તેમણે કહ્યું કે, સંસદની આ રચના ભારતના સામાન્ય માણસના સંકલ્પોને પૂર્ણ કરવા માટે છે. નવો ઉત્સાહ, નવા ઉમંગની સાથે નવી ઝડપ, નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ તક છે. શ્રેષ્ઠ ભારત નિર્માણના વિકસિત ભારત 2047 સુધીનું લક્ષ્ય છે, આ તમામ સપનાઓ અને આ તમામ સંકલ્પો સાથે આજે 18મી લોકસભાના સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે વિશ્વની સૌથી મોટી ચૂંટણી ખૂબ જ ભવ્ય રીતે, ગૌરવમય રીતે સંપન્ન થઈ છે. 140 કરોડ દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. લગભગ 65 કરોડથી વધુ મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. આ ચૂંટણી એટલા માટે પણ ખૂબ મહત્ત્વની બની ગઈ છે કારણ કે આઝાદી પછી બીજી વખત દેશની જનતાએ સતત ત્રીજી વખત સરકારની સેવા કરવાની તક આપી છે. અને આ તક 60 વર્ષ પછી આવી છે, તે પોતાનામાં ખૂબ જ ગૌરવપૂર્ણ ઘટના છે.
જૂઓ વીડિયો –
Sharing my remarks at the start of the first session of the 18th Lok Sabha. May it be a productive one.https://t.co/Ufz6XDa3hZ
— Narendra Modi (@narendramodi) June 24, 2024
નરેન્દ્ર મોદીએ વર્તમાન લોકસભાને ભારતીય સનાતન પરંપરાના અભિન્ન અંગ સમાન ભગવદ્દ ગીતા સાથે સાંકળી હતી. તેમણે જણાવ્યું કે, અમે સૌને સાથે લઈને ચાલવા માગીએ છીએ, તમામને સાથે લઈને બંધારણની મર્યાદાઓનું પાલન કરતા નિર્ણયનો ગતિ આપવા માગીએ છીએ. 18મી લોકસભામાં, અમારા માટે ખુશીની વાત છે કે 18મી લોકસભામાં યુવા સાંસદોની સંખ્યા સારી એવી છે. અને અમે જ્યારે 18ની વાત કરીએ છીએ તો ભારતની પરંપરાઓને જેઓ જાણે છે, જેઓ ભારતના સાંસ્કૃતિક વારસાથી પરિચિત છે, તેઓ જાણે છે કે 18 નંબરનું અહીં ખૂબ જ મૂલ્ય છે. ગીતામાં પણ 18 અધ્યાય છે – કર્મ, કર્તવ્ય અને કરૂણાનો સંદેશ આપણને ત્યાંથી મળે છે. પુરાણો અને ઉપપુરાણોની સંખ્યા પણ 18 છે. 18ની મૂળ સંખ્યા 9 છે અને 9 સંપૂર્ણતાની ખાતરી આપે છે. 9 એ પૂર્ણતાનું પ્રતીક અંક છે. આપણે ત્યાં 18 વર્ષની ઉંમરે મત આપવાનો અધિકાર મળે છે. 18મી લોકસભા ભારતના અમૃતકાલની, આ લોકસભાની રચના પણ એક શુભ સંકેત છે.
પીએમ મોદીએ તેમના આ અનૌપચારિક સંબોધનમાં સ્વતંત્ર ભારતના ઇતિહાસના કાળા પ્રકરણ સમાન કટોકટીને પણ યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે, આપણે આજે 24મી જૂને મળી રહ્યા છીએ. આવતીકાલે 25મી જૂન છે, જેઓ આ દેશના બંધારણની ગરિમાને સમર્પિત છે, જેઓ ભારતની લોકતાંત્રિક પરંપરાઓમાં વિશ્વાસ ધરાવે છે, તેમના માટે 25મી જૂન એક અવિસ્મરણીય દિવસ છે. કાલે 25મી જૂને ભારતના લોકતંત્ર પરના કાળા ડાઘને 50 વર્ષ પૂર્ણ થયા છે. ભારતની નવી પેઢી ક્યારેય ભૂલશે નહીં કે ભારતનું બંધારણ સંપૂર્ણપણે નકારવામાં આવ્યું હતું. બંધારણનો એક-એક ઇંચ નાશ પામ્યો, દેશને જેલમાં ફેરવી દેવામાં આવ્યો, લોકશાહીને સંપૂર્ણ રીતે દબાવી દેવામાં આવી. કટોકટીના આ 50 વર્ષ એ પ્રતિજ્ઞાના છે જ્યારે આપણે આપણા બંધારણની ગર્વથી રક્ષા કરીશું, ભારતની લોકશાહી અને લોકતાંત્રિક પરંપરાઓની રક્ષા કરીશું, ત્યારે દેશવાસીઓ સંકલ્પ લેશે કે, ભારતમાં ફરી કોઈ ક્યારેય આવું કરવાની હિંમત નહીં કરે, જે 50 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને લોકશાહી પર કાળો ડાઘ લગાવ્યો હતો. અમે સંકલ્પ કરીશું, જીવંત લોકશાહીનો, અમે સંકલ્પ કરીશું, ભારતના બંધારણના નિર્દિષ્ટ નિર્દેશ મુજબ સામાન્ય લોકોના સપનાને સાકાર કરવાનો.
વડાપ્રધાને વિપક્ષોને સંબોધતા જણાવ્યું હતું કે, દેશને તમામ સાંસદો પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હું તમામ સાંસદોને વિનંતી કરીશ કે આ તકનો લોકહિત અને જનસેવા માટે ઉપયોગ કરે અને જનહિતમાં દરેક શક્ય પગલાં ભરે. દેશની જનતા વિપક્ષ પાસેથી સારાં પગલાંની અપેક્ષા રાખે છે. અત્યાર સુધી જે નિરાશા મળી છે, તે કદાચ આ 18મી લોકસભામાં વિપક્ષ દેશના સામાન્ય નાગરિકોની વિપક્ષ તરીકેની તેમની ભૂમિકાની અપેક્ષા કરે છે, લોકશાહીની ગરિમા જાળવી રાખે તેવી અપેક્ષા કરે છે. હું આશા રાખું છું કે વિપક્ષ તેના પર યોગ્ય પુરવાર થશે.
આ પણ વાંચોઃ આજથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર, PM મોદી લેશે શપથ, NEET વિવાદ પર હોબાળો થવાની શક્યતા