બુશરા બીબીને અપાતા ભોજન અંગે ઈમરાન ખાનના દાવાની તપાસ કરનાર ડૉક્ટરોએ શું કહ્યું?
ઈસ્લામાબાદ (પાકિસ્તાન), 21 એપ્રિલ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે તેમની પત્ની બુશરા બીબીને ટોયલેટ ક્લીનર ભેળવીને ખાવાનું આપવામાં આવી રહ્યું છે. આરોપ બાદ ઈસ્લામાબાદ એકાઉન્ટેબિલિટી કોર્ટે આ કેસમાં તબીબી તપાસનો આદેશ આપ્યો. તપાસમાં બહાર આવ્યું છે કે, ડૉક્ટરને બુશરા બીબીના સ્વાસ્થયને લઈને તેમના ભોજનમાં કોઈપણ પ્રકારના કેમિકલની ભેળસેળની વાતનો નકારી કાઢી છે.
ઈમરાનના ફેમિલી ડૉક્ટરની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરાઈ
ઈમરાન ખાનના વિશ્વાસુ ફેમિલી ડૉક્ટર આસિમ યુસુફની હાજરીમાં મેડિકલ તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન બુશરા બીબી ઈસ્લામાબાદની એક ખાનગી હોસ્પિટલમાં એન્ડોસ્કોપી સહિતના ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે છ કલાક રોકાયા હતા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે બુશરા બીબીના અલ્ટ્રાસાઉન્ડ, ઇસીએચઓ અને ECG ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મેડિકલ ટેસ્ટ અનુસાર બુશરા બીબીને માત્ર પેટની નાની તકલીફ હતી. જો કે, બુશરા બીબીએ બ્લડ ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી હતી અને પોતાના બ્લડ સેમ્પલ આપ્યા નહોતા.
બુશરા બીબીએ અરજી કરી હતી
15 એપ્રિલના રોજ બુશરા બીબીએ ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC)માં અરજી કરીને કોર્ટને વિનંતી કરી હતી કે, તેમની શૌકત ખાનમ હોસ્પિટલ અથવા તેમની પસંદગીની પ્રાઇવેટ હોસ્પિટલમાં મેડિકલ ચેક-અપની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને તપાસ થઈ શકે કે તેમના ઝેરી કે દૂષિત તો ખોરાક નથી આપવામાં આવી રહ્યો. આ પછી ઈસ્લામાબાદ એકાઉન્ટેબિલિટી કોર્ટે શનિવારે તેમના મેડિકલ ચેક-અપની મંજૂરી આપી હતી અને બે દિવસમાં ખાનગી હોસ્પિટલમાં બુશરા બીબીની એન્ડોસ્કોપી કરવાનો નિર્દેશ આપ્યો.
બુશરા બીબીએ અરજીમાં દાવો કર્યો હતો કે તેમને હૃદયમાં બળતરા, ગળા અને મોઢામાં દુ:ખાવો હતો અને તેમનું કહેવું છે કે, તેમને પીરસવામાં આવેલા ઝેરી ખોરાકને કારણે થયું છે. બીજી તરફ, આ અંગે તપાસ કરતા તમામ દાવાઓ પાયાવિહોણા સાબિત થયા છે.
આ પણ વાંચો: જેલમાં બંધ ઈમરાન ખાનનો સનસનાટીભર્યો દાવો, બુશરા બીબીને ‘ટોયલેટ ક્લીનર’ ભેળવીને ખાવાનું આપ્યું