IPL-2024વિશેષસ્પોર્ટસ

રોહિત શર્મા આવતા વર્ષે MIમાંથી નહીં રમે: પૂર્વ KKR કોચનો ધડાકો

Text To Speech

મે 8 લાહોર: રોહિત શર્મા મોટેભાગે આવતા વર્ષની IPLમાં MIમાંથી નહીં રમે એવી શક્યતાઓ ઘણા સમયથી વર્તાઈ રહી છે. આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સના મેનેજમેન્ટે એક આંચકાજનક નિર્ણય લઈને રોહિતને ટીમની કપ્તાનીમાંથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી દીધો હતો.

આ નિર્ણયનો સહુથી વધુ વિરોધ મુંબઈ ઇન્ડિયન્સ ફેન્સે જ કર્યો હતો. ફક્ત વિરોધ જ નહીં પરંતુ ટીમના ચાહકોએ શરૂઆતની મેચોમાં હાર્દિક પંડ્યાનો વિરોધ કર્યો હતો અને તેના વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ પણ કર્યો હતો. સોશિયલ મિડીયામાં તો હાર્દિક પંડ્યા આજે પણ ટ્રોલ થઇ રહ્યો છે.

આ ઉપરાંત, રોહિત શર્માનું ફોર્મ પણ આ વખતે IPLમાં સારું રહ્યું નથી. આમ બધી રીતે સંજોગો એવા ઉભા થયા છે કે રોહિત શર્માની આવતે વર્ષે મુંબઈ ઇન્ડિયન્સમાંથી વિદાય થઇ જશે.

આ જ બાબત KKRના ભૂતપૂર્વ બોલિંગ કોચ અને મેન્ટર તેમજ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અક્રમે પણ કહી છે. એક ઇન્ટરવ્યુમાં અક્રમે કહ્યું હતું કે, ‘મને એવું લાગે છે કે તે (રોહિત શર્મા) આવતે વર્ષે MIમાંથી નહીં રમે. મને રોહિત શર્મા જો KKRમાંથી રમશે તો ગમશે. કલ્પના કરો કે તે ઓપન કરે અને ગૌતી (ગૌતમ ગંભીર) મેન્ટર હોય, ઐયર કેપ્ટન હોય, તે એક મજબૂત બેટિંગ ટીમ બની જશે. તે કોઇપણ વિકેટ પર સરસ બેટિંગ કરે છે કારણકે તે મહાન ખેલાડી છે. જો હું તેને KKRમાંથી રમતો જોવા માંગું છું.’

એક દિવસ અગાઉ યુવરાજ સિંઘે પણ રોહિત શર્માના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેની ટીમ ઈન્ડિયાને આવનારા T20 વર્લ્ડ કપમાં ખૂબ જરૂર છે. યુવરાજે રોહિત સાથેના જૂના દિવસો યાદ કરીને કહ્યું હતું કે તે જ્યારે બોરીવલીમાં રહેતો ત્યારે અમે તેને ખૂબ ચીડવતા. રોહિત શર્મા ખૂબ સારા હ્રદયનો વ્યક્તિ છે એમ પણ યુવરાજે ઉમેર્યું હતું.

આ વર્ષના અંતમાં અથવાતો આવતા વર્ષની શરૂઆતમાં IPLનું મેગા ઓક્શન થવાનું છે. આવામાં જે રીતના સંબંધો રોહિત શર્મા અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જોવા મળી રહ્યા છે બંનેમાંથી કોઈ એવું નહીં ઈચ્છે કે રોહિત ટીમમાં રીટેઇન થાય. રોહિતને લેવા માટે દિલ્હી કેપિટલ્સ પણ તૈયાર છે એવી વાત તેના માલિક પાર્થ જિંદલે ઘણા સમય અગાઉ કહી દીધી છે.

Back to top button