ટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

સાત્વિક અને ચિરાગની જોડીએ જીતી લીધી થાઈલેન્ડ ઓપન!!

Text To Speech

19 મે બેંગકોક: ભારતની સાત્વિક અને ચિરાગની જોડીએ થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતી લીધી છે. ભારતીય જોડીએ ચીનની જોડીને સીધી બે ગેમ્સમાં હરાવી દીધી હતી.

સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીએ ચીનની ચે બો યાંગ અને લ્યુ લી ની જોડીને 21-15, 21-15થી હરાવી દીધી હતી. આ ટુર્નામેન્ટમાં ભારતીય જોડીને ટોચની સીડ મળી હતી જ્યારે ચીની જોડીને કોઈ સીડ મળી ન હતી. તેમ છતાં પહેલી ગેમમાં ભારતીય જોડી તકલીફમાં જરુર મુકાઈ ગઈ હતી. એક સમયે સાત્વિક અને ચિરાગની જોડીએ સંઘર્ષ કરતાં ચીનની જોડી સામે 10-11 થી પાછળ રહેવા છતાં 21-15 ના ડિફરન્સથી પહેલી ગેમ જીતી લીધી હતી. આ ગેમ જીતવા માટે મીડ-ગેમ બ્રેક અગાઉ ચિરાગ દ્વારા લેવામાં આવેલા સફળ રિવ્યુને જવાબદાર ગણી શકાય. આ રિવ્યુ ભારતના તરફેણમાં આવ્યો હતો.

બીજી ગેમમાં તો ચીની જોડી ચે બો યાંગ અને લ્યુ લીએ શરૂઆતથી જ પોતાનો દબદબો બનાવી લીધો હતો. એક સમય એવો હતો કે ચીન ભારતથી સતત પાંચ પોઈન્ટ્સની લીડથી આગળ હતી. પરંતુ ત્યારબાદ ચીનીઓએ એક પછી એક ભૂલ કરવાની શરુ કરી હતી. આ ભૂલનો લાભ સાત્વિક અને ચિરાગે લીધો હતો અને સ્કોર 15-14 પર લાવીને મૂકી દીધો હતો.

બંને ગેમ્સમાં આટલી બધી તકલીફ પડી હોવા છતાં સાત્વિક અને ચિરાગે મેચ બે સીધી ગેમ્સમાં જીતી લીધી એટલું જ નહીં પરંતુ આ મેચને તેમણે ફક્ત 46 મિનિટમાં પૂરી કરી દીધી હતી. ગઈકાલે જ આ જોડી સેમીફાઈનલ મેચ ફક્ત 35 મિનીટમાં જીતી ગઈ હતી.

મેચ પૂર્ણ થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમની દરમ્ય બોલતા ભારતીય જોડીએ સ્વીકાર્યું હતું કે તેમને થાઈલેન્ડ આવીને બેડમિન્ટન રમવાનું ખૂબ ગમે છે અને હજી પણ ગમશે. આ પાછળનું કારણ જણાવતા સાત્વિક અને ચિરાગે કહ્યું હતું કે આ જ શહેરમાં તેમણે થોમસ કપ જે બેડમિન્ટનની સહુથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંથી એક ગણાય છે તે જીત્યો હતો અને હવે તેમણે પોતાની જિંદગીની પહેલી સુપર ટુર્નામેન્ટ પણ થાઈલેન્ડમાં જ જીતી છે.

સુપર 500 એ બેડમિન્ટનની લોકપ્રિય ટુર્નામેન્ટની સિરીઝ છે. આ સિરીઝમાં સારો દેખાવ કરનારાનું વિશ્વ સ્તરે રેન્કિંગ સુધરતું હોય છે. આ પ્રકારની સિરીઝ બેડમિન્ટનના સિંગલ્સ અને ડબલ્સ, પુરુષ અને મહિલા એમ તમામ કેટેગરીઓ માટે વિશ્વનાં મોટા શહેરોમાં રમાડવામાં આવતી હોય છે.

Back to top button