અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ગુજરાતમાં મહાસંગ્રામનું કાઉન્ટડાઉન શરૂ, ચૂંટણી સ્ટાફ EVM લઈ મતદાન મથકે જવા રવાના

Text To Speech

અમદાવાદ, 6 મે 2024, ગુજરાતની લોકસભાની 25 અને વિધાનસભાની પેટાચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીપંચ દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.રાજ્યમાં 50,787 મતદાન મથક પર આવતીકાલે મતદાન યોજાશે. જેમાં 13,600 મતદાન મથક સંવેદનશીલ છે. આ વખતે સંવેદનશીલ મતદાન મથકોમાં 450 મતદાન મથકનો વધારો થયો છે. ક્રિટિકલ મતદાન મથકો માટે 10 જેટલી SRP કંપનીનો ઉપયોગ કરવાનું ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયું છે. જ્યારે 1.20 લાખ પોલીસકર્મી મતદાનના દિવસે ખડેપગે રહેશે.

સુરક્ષાને લઈને દરેક પોલ બુથ પર પોલીસ પણ ખડેપગે
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આ અંગે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વોટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે રાજ્યના દરેક બૂથ પર ઇવીએમ મશીન સાથે સ્ટાફ પહોંચી જશે. મતદાનના દિવસે હીટવેવને લઈને ચૂંટણીપંચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આવતીકાલે 43 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે.આજે રાજ્યની તમામ બેઠક પરના પોલ બુથ પર ચૂંટણી સ્ટાફ દ્વારા તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે.સુરક્ષાને લઈને દરેક પોલ બુથ પર પોલીસ પણ ખડેપગે છે.

1 લાખ 20 હજાર પોલીસ ખડેપગે રહેશે
લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ-કર્મચારીઓ આવરી લઈ અંદાજે 4,50,000નો સ્ટાફ ફરજ બજાવશે. જેમાં 55,800થી વધુ પ્રિસાઇડિંગ ઓફિસર્સ, 1.67 લાખથી વધુ પોલિંગ ઓફિસર્સ, 6,300થી વધુ સેક્ટર ઓફિસર અને 5,200થી વધુ માઇક્રો ઓબ્ઝર્વર્સ સહિતના અધિકારીઓ-કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમજ 1 લાખ 20 હજાર પોલીસ ખડેપગે રહેશે.

મતદાનના દિવસે દવાના બિલ પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશનના સભ્યો દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાગરિકો વધુમાં વધુ મતદાન કરે એ ઉદ્દેશ્યથી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે દવાના બિલ પર 7થી 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃઅમદાવાદ: હેરિટેજ થીમના મથક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરશે

Back to top button