ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન ચાલુ, ચૂંટણી અધિકારીઓ ઘરે-ઘરે જઈને કરાવી રહ્યા છે વૉટિંગ

નવી દિલ્હી, 08 એપ્રિલ: દેશમાં લોકસભા ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચના આદેશ મુજબ, અમુક પસંદગીના સરકારી સેવાઓના કર્મચારીઓ ઉપરાંત દિવ્યાંગ અને 85 વર્ષથી વધુ વયના મતદારો માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહત્ત્વનું છે કે, વૃદ્ધ નાગરિકો અને દિવ્યાંગ મતદારો બૂથ પર જઈને મત આપી શકે તેવી સ્થિતિમાં નથી, ત્યારે દેશના તમામ નાગરિકો મતદાનમાં ભાગ લઈ શકે તેવા પ્રયાસના ભાગરૂપે ચૂંટણી પંચના અધિકારીઓ ઘરે-ઘરે જઈને મતદાન કરાવી રહ્યા છે.

દેશમાં 80 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 1.85 કરોડ

અત્યાર સુધી 80 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો આ સુવિધા મેળવવા માટે પાત્ર હતા. પરંતુ ચાર રાજ્યોની લોકસભા અને વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતના થોડા દિવસો પહેલા ચૂંટણી પંચે કન્ડક્ટ ઑફ ઇલેક્શન રૂલ, 1961માં ફેરફાર કર્યા હતા. આ ફેરફાર હેઠળ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન માટે પાત્ર વરિષ્ઠ નાગરિકોની વય મર્યાદા 80થી વધારીને 85 વર્ષ કરવામાં આવી છે. ચૂંટણી પંચની તાજેતરની મતદાર યાદી અનુસાર, દેશમાં 80 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 1.85 કરોડ છે. જ્યારે 100 વર્ષ અને તેથી વધુ વયના મતદારોની સંખ્યા 2.38 લાખ છે.

ઉલ્લેખનીય છે કે, કન્ડક્ટ ઑફ ઇલેક્શન રૂલ 27A અનુસાર વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ નાગરિકો, ચૂંટણી ફરજ પર તૈનાત કર્મચારીઓ અને સૈન્ય કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની સુવિધાની જોગવાઈ છે. સરકારે છેલ્લી 11 વિધાનસભાની ચૂંટણીમાં વડીલોની વૉટિંગ પેટર્નને ધ્યાનમાં રાખીને પોસ્ટલ પેપર્સ દ્વારા મતદાન કરવા માટે વરિષ્ઠ નાગરિકોની વય મર્યાદા 80થી વધારીને 85 વર્ષ કરવાનો નિર્ણય લીધો હતો. આ ચૂંટણીઓમાં 80 વર્ષથી વધુ વયના 97 થી 98% મતદારોએ પોસ્ટલ બેલેટને બદલે મતદાન મથક પર જઈને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું.

પોસ્ટલ બેલેટ શું છે, તેના દ્વારા મતદાન કેવી રીતે થાય છે?

પોસ્ટલ બેલેટ દ્વારા મત આપવા માટે લાયક મતદારોએ ચૂંટણી પંચની વેબસાઇટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેમાં તેમણે સરનામું અને અન્ય જરૂરી વિગતો પ્રદાન કરવાની રહેશે. તેના આધારે ચૂંટણી પંચ ખાસ પાત્રતા ધરાવતા નાગરિકોને કાગળ પર છપાયેલું એક ખાસ બેલેટ પેપર મોકલે છે, જેને પોસ્ટલ બેલેટ કહેવામાં આવે છે. આ બેલેટ પેપર મેળવનાર નાગરિક તેના મનપસંદ પક્ષના ચૂંટણી ચિન્હ પર સ્ટેમ્પ લગાવીને પોતાનો મત આપે છે. બેલેટ પેપરને ચૂંટણી કાર્યકરો સીલબંધ બોક્સમાં મૂકે છે, જેને મતપેટી કહેવામાં આવે છે. આ મતપેટી સ્થાનિક જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે અને મતગણતરીનાં દિવસે ખુલે છે. મત ગણતરી દરમિયાન પોસ્ટલ બેલેટ દ્વારા પડેલા મતોની ગણતરી સૌથી પહેલા શરૂ થાય છે. આ પછી EVM ખુલે છે અને તેમાં નોંધાયેલા મતોની ગણતરી શરૂ થાય છે.

આ પણ વાંચો: જાણો આ ચૂંટણીમાં કોણ કોણ કરી શકશે પોસ્ટલ બેલેટથી મતદાન?

Back to top button