ગુજરાતટોપ ન્યૂઝ

વિસનગરમાં ચોંકાવનારો હત્યાકાંડ: દીકરાના મોતને આત્મહત્યા બતાવવાનો પ્રયાસ, માતાએ જ ગળું દબાવ્યાની કબૂલાત

Visnagar Murder Case: મહેસાણા જિલ્લાના વિસનગરમાં 25 વર્ષીય યુવક પ્રિન્સ પટેલના રહસ્યમય મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં આ ઘટનાને આત્મહત્યા માનવામાં આવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આખો મામલો પલટી ગયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે પ્રિન્સનું મોત ગળું દબાવવાથી થયું હતું.

14 જૂનના રોજ વિસનગરના મહેસાણા રોડ પર આવેલી એક સોસાયટીમાં પ્રિન્સ પટેલ મૃત હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં પરિવાર અને પોલીસને આ ઘટના આત્મહત્યા હોવાનું લાગી રહ્યું હતું, પરંતુ પાંચ દિવસ બાદ આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે યુવકનું મોત શ્વાસ રૂંધાવાના કારણે થયું હતું. ત્યારબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

પોલીસ પૂછપરછમાં માતાની કબૂલાત

પોલીસે ઘટનાસ્થળે હાજર પરિવારજનો સહિત નજીકના લોકોની પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન શંકાની સોય પ્રિન્સની માતા પ્રવિણાબેન હર્ષદભાઈ પટેલ તરફ ગઈ હતી. લાંબી અને કડક પૂછપરછ બાદ માતાએ કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે કે તેમણે જ પોતાના દીકરાનું ગળું દબાવી દીધું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં માતાએ જણાવ્યું કે પ્રિન્સ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હતો. તેણે પોતાની માતાને કહ્યું હતું કે, “જો હું સવારે જીવતો હોઉં તો મને મારી નાખજે.” આ વાતના આધારે માતાએ એવો દાવો કર્યો છે કે બીજા દિવસે પ્રિન્સ આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેમણે તેનું ગળું દબાવી દીધું હતું.

આર્થિક નુકસાનને કારણે તણાવમાં હતો પ્રિન્સ?

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રિન્સે અમદાવાદ અને વિસનગરમાં ધંધો શરૂ કર્યો હતો, પરંતુ તેમાં નુકસાન થતાં તે તણાવમાં રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી તે કોઈ કામકાજ પણ કરતો ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પોલીસ માતાના આ દાવાને સંપૂર્ણ રીતે સ્વીકારી રહી નથી. “દીકરાએ મારવા કહ્યું હતું” તે વાતની પણ પોલીસ અલગ-અલગ પાસાઓથી તપાસ કરી રહી છે.

પરિવારમાંથી મળતી માહિતી મુજબ…

પ્રિન્સ પોતાના માતા-પિતા સાથે રહેતો હતો અને તેના લગ્ન થયા ન હતા. પરિવાર આર્થિક રીતે સક્ષમ હોવાનું પણ સામે આવ્યું છે. તેનો મોટો ભાઈ જૈમિત છેલ્લા 10 વર્ષથી કેનેડામાં રહે છે. હાલમાં પોલીસે પ્રિન્સની માતાની ધરપકડ કરી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે હત્યા પાછળના ચોક્કસ કારણો, ઘટનાક્રમ અને માતાના નિવેદનની સત્યતા જાણવા માટે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: હિમાલયથી સમુદ્ર સુધી યોગનો જાદુ, 14 હજાર ફૂટ ઊંચાઈએ જવાનોએ આપ્યો ફિટનેસનો સંદેશ

Back to top button