ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રન-વે પર મુસાફરોનો ખાવાનો વીડિયો વાયરલ, ઉડ્ડયન મંત્રીએ ઇન્ડિગો અને મુંબઈ એરપોર્ટ સામે કાર્યવાહી કરી

નવી દિલ્હી, 16 જાન્યુઆરી: ધુમ્મસના કારણે ફ્લાઇટ મોડી પડતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. તેમજ રોજેરોજ કોઈના કોઈ ઘટના સામે આવી રહી છે. હાલમાં જ ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા મુસાફરો કંટાળીને એરપોર્ટના ટાર્મેક પર બહાર આવ્યા અને ત્યાં બેસીને ખાવાનું ખાધું હતું. જ્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો ત્યારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કડક કાર્યવાહી કરી હતી.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ કડક કાર્યવાહી કરી

ટાર્મેક પર ખાવાનું ખાતા મુસાફરોનો વીડિયો વાયરલ થયા બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે મધ્યરાત્રિએ મંત્રાલયના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. MoCAના બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)એ આ મામલે ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને કારણ બતાવો નોટિસ જારી કરી છે. બંને નોટિસના કિસ્સામાં MoCAએ 16.1.2024 સુધીમાં જવાબ માંગ્યો છે. જો નિર્ધારિત સમયમાં જવાબ નહીં મળે, તો નાણાકીય દંડ સહિત અમલીકરણની કાર્યવાહી શરૂ કરાશે.

ઇન્ડિગોએ આ ઘટના પર તરત જ નિવેદન જારી કર્યું

આ સમગ્ર ઘટના પર ઈન્ડિગો દ્વારા એક નિવેદન પણ જારી કરાયું છે. એરલાઈને લખ્યું – અમે 14 જાન્યુઆરીના રોજ ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E2195 સાથે સંકળાયેલી ઘટનાથી વાકેફ છીએ. દિલ્હીમાં ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરાઈ હતી. અમે અમારા ગ્રાહકોની દિલથી માફી માંગીએ છીએ. અમે દિલગીર છીએ. હાલમાં આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે અમે જરૂરી પગલાં લઈશું.

શું છે સમગ્ર મામાલો?

હકીકતમાં 14 જાન્યુઆરીએ ગોવાથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ મુસાફરોની ધીરજ ખૂટી પડી અને તેઓ ટાર્મેક પર બેસીને ત્યાં જ ખાવા લાગ્યા. મુસાફરોએ દાવો કર્યો હતો કે 14 જાન્યુઆરીએ દિલ્હી ઈન્ડિગોની ફ્લાઈટ લગભગ 18 કલાક મોડી પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકોએ તંત્ર પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: જો તમારી ફ્લાઈટ મોડી થશે તો એરલાઇન્સ Whatsapp થી જાણ કરશે, DGCA એ જાહેર કરી SOP

Back to top button