વાઇબ્રન્ટ ગુજરાત બ્રાન્ડિંગ નહીં બોન્ડિંગ ગુજરાત છે : ભાનુબેન બાબરીયા
- ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર’ કાર્યક્રમનો પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ.
- ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર’માં શહેરના ઉદ્યોગકારો સહિત આગેવાનો જોડાયા.
- વાઈબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ અંતર્ગત આજે થઈ રહેલા કુલ અંદાજે ૧૬૬૦ કરોડના ૧૭૫ MOU થકી જિલ્લામાં ૨૨ હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે: ભાનુબેન બાબરીયા
ભાવનગર: વાઇબ્રન્ટ ગુજરાત વર્ષ ૨૦૦૩ માં શરૂ થયેલી નાના પાયે ઇવેન્ટ હતી જેને આજે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આ ઇવેન્ટ અંતર્ગત જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ભાવનગરમાં તા. ૧૩ અને ૧૪ ઓક્ટોબરના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર’ મોતીબાગ ટાઉનહોલ ખાતે યોજાઇ રહી છે જેનો પ્રારંભ ભાવનગરના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાએ ઉદ્યોગકારો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર’ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પ્રભારી અને સામાજિક ન્યાય-અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, ‘દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦ વર્ષ પહેલાં વાવેલું વાઇબ્રન્ટા સમિટનું બીજ આજે એક વટવૃક્ષ બનીને વિશ્વભરમાં ગુજરાતનો ડંકો વગાડી રહ્યું છે. દુનિયા સમક્ષ વાઇબ્રન્ટ સમિટની સફળતાએ સાબિત કરી દીધુ કે વાઇબ્રન્ટ ગુજરાત બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ ગુજરાતને સાર્થક કરે છે.’
વાઈબ્રન્ટ સમિટ વિશે વધુમાં વાત કરતાં મંત્રીએ જણાવ્યું કે, વાઈબ્રન્ટ શબ્દનો અર્થ જીવંત એવો થાય છે. વાઈબ્રન્ટ સમિટ આજે અર્થતંત્રને જીવંત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને દૂરંદેશીપણા થકી શરૂ થયેલી આ સમિટ રાજ્ય અને દેશના આર્થિક વિકાસને વેગ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે.
આ પ્રસંગે વધુમાં વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત જેવી ઇવેન્ટ સમજદારી, જવાબદારી અને ભાગીદારી થકી સાર્થક બને છે, જે આપણા વડાપ્રધાનએ સુપેરે સાર્થક કરી બતાવ્યું છે. વડાપ્રધાનએ ૨૦ વર્ષ પહેલાં લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે આ યોજનાનો દિશાસૂચક આયોજન થકી પ્રારંભ કરાવેલો. વડાપ્રધાનના વિઝનને સાકાર કરવાની દિશામાં કાર્ય કરતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જવાબદારીપૂર્વક આ ઉપક્રમને આગળ ધપાવતાં આજે રાજ્યના દરેક જિલ્લામાં રોજગારી સર્જન કરવાના સંકલ્પ સાથે વાઈબ્રન્ટ ડીસ્ટ્રિકટ કાર્યક્રમ શરૂ કરાવ્યો છે.
ભાવનગર જિલ્લાના આર્થિક વિકાસ અને વાઈબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ વિશે વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં આજે અનેકવિધ વિકાસ પ્રકલ્પો પ્રજા માટે સાર્થક બનાવાઈ રહ્યાં છે. બે દિવસ સુધી ચાલનારી આ સમિટમાં અનેક વિષયો આધારિત સેમિનાર યોજાવાના છે તથા એક્ઝીબિશનમાં જિલ્લાના અનેક ઉદ્યોગો વિશે લોકોને જાણવાનો મોકો મળશે. ભાવનગર જિલ્લો આજે હીરા ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ, ડીહાઈડ્રેશન પ્રોડક્ટ્સ, શીપ બ્રેકિંગ, રોલિંગ મીલ, મીઠાં ઉદ્યોગ માટે જાણીતો છે. આજે દેશના કુલ મીઠાં ઉત્પાદનમાં ૬૦% થી વધુ હિસ્સો ગુજરાત રાજ્યનો છે, જેમાં ભાવનગર અગ્રેસર છે. વાઈબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ અંતર્ગત આજે થઈ રહેલા કુલ અંદાજે ૧૬૬૦ કરોડના ૧૭૫ MOU થકી જિલ્લામાં ૨૨ હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: નવસારી અને ભાવનગરમાં પ્રિ-વાયબ્રન્ટ સમિટ યોજાઈ