ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

નવસારી અને ભાવનગરમાં પ્રિ-વાયબ્રન્ટ સમિટ યોજાઈ

  • નવસારી જિલ્લામાં અંદાજીત ૨૧૨ કરોડના ૧૪૬ MOU થયા.
  • સરકાર દ્વારા ઉદ્યોગો સ્થાપવા માટે સરળ નીતિઓ ઊભી કરાઈ છે. વાઇબ્રન્ટ થકી ગુજરાત વિકસિત,દીક્ષિત અને ધબકતું બન્યું છે: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ
  • વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ અન્વયે ભાવનગરમાં ૧૬૬૦ કરોડના ૧૭૫ એમ.ઓ.યુ. થયા

નવસારીઃ રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લાકક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત,વાઇબ્રન્ટ નવસારી’ કાર્યક્રમ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવસારી સ્થિત લેઉવા પાટીદાર સમાજ વાડી, તીઘરા ખાતે યોજાયો હતો.

જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ સાથે B2B અને B2C કાર્યક્રમ અને જિલ્લાના વેપાર ઉદ્યોગ જગતનું તેમજ સરકારના વિવિધ વિભાગોનું પ્રદર્શન પણ યોજાયું હતું. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જાહેર જનતા માટે ૨૫ એક્ઝિબેશન સ્ટોલનું પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ નવસારી કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લામાં જિલ્લા ઉદ્યોગ મેનેજર અને મહાનુભાવોના હસ્તે ઉદ્યોગકારો સાથે અંદાજીત ૨૧૨ કરોડના ૧૪૬ MOU કરવામાં આવ્યા હતા.

આ અવસરે પ્રભારી મંત્રીએ ગુજરાતની વિકાસયાત્રામાં સહકાર આપવા બદલ ઉદ્યોગકારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત થકી દેશ- વિદેશના ઉદ્યોગકારોએ ગુજરાતમાં ઇન્વેસ્ટ કરીને રોજગારની તકો ઊભી કરી છે. આ માટે સરકાર દ્વારા ઉદ્યોગો સ્થાપવા માટે સરળ નીતિઓ ઊભી કરાઈ છે. ગુજરાત વિકસિત, દીક્ષિત અને ધબકતું બને એ માટે આવતા વર્ષે વાઇબ્રન્ટની ૨૦ વર્ષની ઉજવણીમાં ૧૩૫ દેશોના ઉદ્યોગકારો ભાગ લેશે, જે ગુજરાત સરકારની સરળ ઉદ્યોગનીતિને પ્રોત્સાહન આપશે. વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ થકી નાના ઉદ્યોગકારો/કારીગરો પોતાની પ્રોડક્ટને વિશ્વ સમક્ષ રાખી શકે છે. નિકાસની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબર પર છે.

તેમણે નવસારી જિલ્લાની વાત કરતા જણાવ્યું હતું કે,આવનારા સમયમાં જલાલપોર તાલુકાના વાંસી ખાતે ટેક્ષ્ટાઈલ પાર્ક નું નિર્માણ થનાર છે જેથી રોજગારીની નવી તકો ઉભી થશે. જિલ્લામાં જી.આઈ.ડી.સી મારફત સ્થાનિક રોજગારીની તકો તો વધી જ છે. આ તકે તેમણે ઉપસ્થિત ઉદ્યોગકારોને આવકાર્યા હતા. આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે બાજપાઈ બેંકેબલ યોજનાની સબસિડીના ચેક એનાયત કરાયા હતા.

  • ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ’ ને ભાવનગરમાં સાંપડ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

ભાવનગર ખાતે તારીખ ૧૩ અને ૧૪ ઓક્ટોબર દરમિયાન ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે. આ કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે. આ હેતુ ભાવનગરમાં સાર્થક થયો છે. વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ વિભાગોમાં સેક્ટર વાઈઝ વિવિધ ઉદ્યોગો દ્વારા રૂ. ૧૬૬૦ કરોડના ૧૭૫ જેટલા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.

રાજ્ય કક્ષાએ યોજાતા વાઇબ્રન્ટ કાર્યક્રમને સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ લઈ જવાનો એક જન કલ્યાણનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે. જે થકી જિલ્લા કક્ષાએ વિવિધ સેગમેન્ટની પેદાશોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટે તેમજ રોકાણ માટે નવી દિશા મળી રહી છે. ભાવનગરમાં વિવિધ રોકાણો લાવવા માટે ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ’ હેઠળ વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે ૧૭૫ એમ.ઓ.યુ. થતા આગામી સમયમાં અંદાજે ૨૨ હજારથી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થશે.

આ તકે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગના ૯૩ કરોડ, કેમીકલના ૪૮ કરોડ, એન્જિનિયરિંગ ૬૫ કરોડ, હેલ્થ કેર ૧૭ કરોડ, મિનરલ બેઝડ ૯ કરોડ, અન્ય ૩૧ કરોડ, સ્ટીલ કાસ્ટ લી. ૨૫૬ કરોડ, હેરાલ્ડ ગ્રુપ ૭૫ કરોડ, પટેલ કન્ટેનર ૪૯ કરોડ, તેમજ ભાવનગર મ્યુનિસિપાલિટીના કન્સસ્ટ્રકશનના ૧૦૧૪ કરોડ ના આમ કુલ અંદાજે ૧૬૬૦ કરોડના એમ. ઓ. યુ. કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ઉદ્યોગકારો તેમજ સ્ટાર્ટ અપ કરતા લોકો માટે વિવિધ વિષયો પર સેમિનાર અને પ્રેઝન્ટેશન, ઉદ્યોગકારો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ઓપન હાઉસ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ પેદાશો માટે પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

Back to top button