ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નવ સર્જિત વાવ-થરાદ જિલ્લાને મળશે અદ્યતન જિલ્લા સેવા સદન

ગુજરાતના નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના નાગરિકો માટે એક મોટી સુવિધા તરીકે અંદાજે 70 કરોડ રૂપિયાના ખર્ચે 39 એકર વિસ્તારમાં આધુનિક જિલ્લા સેવા સદનનું નિર્માણ થનાર છે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે થરાદ ખાતે કર્યું.

77મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીમાં પ્રથમ વખત યજમાન બનેલા આ જિલ્લામાં આ વિકાસ કાર્ય નવી દિશા આપશે. કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેવા સદનમાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત રાજ્ય સરકારના 30થી વધુ વિભાગોની જિલ્લા સ્તરીય કચેરીઓ એક જ છત્ર હેઠળ કાર્યરત થશે. આનાથી નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળશે, સમય અને સંસાધનોની બચત થશે તથા વહીવટી કાર્યક્ષમતા વધશે.

આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગના ધોરણે બનશે, જેમાં સોલાર રૂફ ટોપ, વરસાદી પાણી સંચય વ્યવસ્થા, વિશાળ મિટિંગ હોલ, અદ્યતન લિફ્ટ અને બેઝમેન્ટ પાર્કિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના દ્રષ્ટિકોણ અનુસાર નાગરિક-કેન્દ્રિત વહીવટને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવા જિલ્લાના સર્વાંગી વિકાસને આગળ ધપાવવાનું આ એક મહત્વનું પગલું છે.

આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ, જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી સહિત અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. આ સેવા સદન વાવ-થરાદ જિલ્લાના વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે.

આ પણ વાંચો: માયાભાઈના પુત્ર જયરાજ આહીરની ધરપકડ: નવનીત બાલધિયા મારપીટ કેસમાં SITની કાર્યવાહી

Back to top button