ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરા: PM આવાસના મકાન સસ્તામાં અપાવી દઉ, જો કોઇ કહે તો સાવધાન !

  • દુકાન અપાવાના નામે એક મહિલાએ તેની બહેનપણી સહિત ત્રણ જણા સાથે ઠગાઇ કરી
  • ત્રણ જણા પાસે રૂપિયા. ૯.૭૯ લાખની ઠગાઇ કરતાં પોલીસ ફરિયાદ થઇ
  • મહિલા પ્રોફેસરને પણ ૯૫ હજારનો ચૂનો ચોપડયો હોવાની ફરિયાદ નોંધાઇ

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાયલી અર્બન યોજનામાં દુકાન અપાવાના નામે એક મહિલાએ તેની બહેનપણી સહિત ત્રણ જણા પાસે રૂપિયા. ૯.૭૯ લાખની ઠગાઇ કરતાં પોલીસ ફરિયાદ થઇ છે. ગોત્રીમાં લાઇફ અરેના ખાતે રહેતા હેતલબેન મિસ્ત્રીએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૯મી માર્ચે મારી જૂની બહેનપણી મિત્તલ સાધુ તેની માતા સાથે મને મળવા આવી હતી અને સરકારમાં સારી ઓળખાણ છે, પીએમ આવાસના મકાન-દુકાન જોઇએ તો કહેજો તેમ કહી પાનકાર્ડ, આધારકાર્ડ અને વાહનોના ઇન્સ્યોરન્સના કામો કરતી હોવાનું કહ્યું હતું.

નણદોઇને પણ બીજી એક દુકાન બતાવી રૂ.૧.૭૦લાખ લીધા

ત્યારબાદ તેણે ઇન્વેસ્ટમેન્ટ માટે પણ વાતો કરી હતી. ભાયલીમાં પીએમ આવાસ યોજનામાં એક દુકાન બતાવી મારી પાસે રૂ.૬ લાખ લીધા હતા. આવી જ રીતે મારા જેઠાણી પાસે રૂ.૧.૪૯ હજાર લીધા હતા. પરંતુ હજી તેમને રૂ.૩૯૭૦૦ પાછા આપ્યા નથી. મહિલાએ કહ્યું છે કે, મારા નણદોઇને પણ બીજી એક દુકાન બતાવી રૂ.૧.૭૦લાખ લીધા હતા. પરંતુ ત્યારબાદ તેણે રસીદ આપી નહતી અને વારંવાર બહાના બતાવી જેને રૂપિયા આપ્યા છે તે ભાગી ગયો છે તેવા જવાબ આપ્યા હતા. મિત્તલે તેનો ફોન પણ બંધ કરી દીધો હતો અને ઘરને તાળું મારી ફરાર થઇ ગઇ છે. જેથી ગોત્રી પોલીસે મિત્તલ કાર્તિકસ્વામી સાધુ(શિવાલય હાઇટ્સ, ગોત્રી) સામે ગુનો નોંધ્યો છે.

મિત્તલે બે મહિનામાં ૧.૩૯લાખનો નફો કરાવી વિશ્વાસમાં લીધા

મિત્તલે તેની બહેનપણીને ઠગવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરાવી સારો એવો ફાયદો કરાવી આપશે તેવી બાંયધરી આપી હતી. જેથી હેતલબેને ટુકડે ટુકડે રૂ.૩.૮૯ લાખ આપ્યા હતા. જેની સામે મિત્તલે બે મહિનામાં જ રૂ.૫.૨૮લાખ પરત કર્યા હતા. આમ સારો એવો ફાયદો કરાવી મિત્તલે રૂ.૬ લાખ પડાવી લીધા હતા. સરકારી આવાસ યોજનાને નામે અનેક લોકોને ઠગનાર મિત્તલ સાધુએ ભરૂચના એક મહિલા પ્રોફેસરને પણ ૯૫ હજારનો ચૂનો ચોપડયો હોવાની ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો: અરવલ્લી: મોડાસામાં માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી, 4 યુવાનના મૃત્યુ

Back to top button