વડોદરાઃ ગોત્રી હોસ્પિટલમાં ગુજરાતની એકમાત્ર મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા શરૂ કરવામાં આવી

વડોદરા, તા. 6 જુલાઈ, 2025: પ્લેન ક્રેશ કે કુદરતી હોનારત કે માનવ સર્જિત દુર્ઘટનામાં કામ આવી શકે તેમ માટે વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં અત્યાધુનિક મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ રાજ્યની પ્રથમ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા છે. આ સુવિધાના કારણે સ્થળ પર જ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે અને ઇમરજન્સીમાં સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરી શકાશે. નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઈન્સ મુજબ ડીકમ્પોઝ થયેલી બોડીના પોસ્ટમોર્ટમ માટે અલગ પોસ્ટમોર્ટમ રૂમ હોવો જોઈએ. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગોત્રી હોસ્પિટલમાં મોબાઈલ (મુવેબલ) પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ’ સુવિધા ધરાવતું એક ખાસ કન્ટેનર મૂકવામાં આવ્યું છે.
આ ખાસ કન્ટેનરમાં એકસાથે પોસ્ટમોર્ટમ કરી શકાય તેવી સુવિધા છે અને તેની સાથે 4થી 5 બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કન્ટેનરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે મુવેબલ છે. એટલે કે, કોઈ મોટી દુર્ઘટના, જેમ કે પ્લેન ક્રેશ અથવા કોઈ જંગલ વિસ્તારમાં ઘટના બને અને મૃતદેહોને હોસ્પિટલ સુધી લાવવાનું શક્ય ન હોય, ત્યારે આ કન્ટેનરને ઘટનાસ્થળે પહોંચાડીને ત્યાં જ પોસ્ટમોર્ટમ કરી શકાશે અને મૃતદેહોને ત્યાં જ કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે.
આ પ્રકારનો મુવેબલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ રૂમ હાલમાં આખા ગુજરાતમાં ક્યાંય ઉપલબ્ધ નથી, જે ગોત્રી હોસ્પિટલની આ સુવિધાને અનોખી બનાવે છે. અમદાવાદ પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટનાની પરિસ્થિતિઓમાં આ સુવિધા અત્યંત ઉપયોગી સાબિત થશે. આ સુવિધા ગોત્રી હોસ્પિટલની ફોરેન્સિક મેડિસિન વિભાગની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને મૃતદેહોના સન્માનપૂર્વક નિકાલ અને તપાસમાં મદદરૂપ થશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં 43.76 ટકા વરસ્યો વરસાદ












