વડોદરાઃ પાદરાના ગોવિંદપુરામાં 80થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ, માવાની મીઠાઈ ખાધા બાદ અસર


વડોદરાઃ વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા ગોવિંદપુરામાં ગતરાતે નિયાઝના પ્રસંગમાં જમણવારમાં માવાની મીઠાઈ ખાધા પછી 80થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ છે.જેના કારણે લોકોની તબિયત બગડતા ભારે દોડધામ મચી ગઈ હતી. ત્યારે તમામ લોકોને પ્રાથમિક સારવાર અર્થે પાદરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે પાદરા – ડભાસા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો કેટલાંક લોકોને વડોદરા ખાતે આવેલ ટ્રસ્ટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગોવિંદપુરા ખાતે નિયાઝના પ્રસંગે જમણવાર રાખવામાં આવ્યું હતું. જેમાં માવાની મીઠાઈ ખાધા બાદ બાળકો, મહિલાઓ સહિતના 80થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થતા આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવને પગલે જિલ્લા વહિવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. અને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.