
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં પૈસાની લેવડદેવડને લઈને થયેલો વિવાદ અંતે હત્યાકાંડમાં ફેરવાયો છે. કૃત્રિમ તળાવ નજીક થયેલા આ હુમલામાં 19 વર્ષીય સુમિત વણઝારાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ઘટનામાં અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, વેપાર-ધંધામાં થયેલી આશરે એક લાખ રૂપિયાની લેવડદેવડને લઈને બંને પક્ષ વચ્ચે અગાઉથી મતભેદ ચાલી રહ્યો હતો. આ વિવાદ દરમિયાન નવ જેટલા લોકો એકસાથે આવી પહોંચ્યા હતા અને ફરિયાદી પક્ષ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ચપ્પુ તેમજ અન્ય હથિયારો વડે હુમલો કરતાં ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
હુમલામાં સુમિત વણઝારાને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતકના પરિવારના અન્ય સભ્યો સહિત કેટલાક લોકોને પણ મારામારીમાં ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
પરિવારજનોનો આક્ષેપ છે કે હુમલાખોરો પઠાણી ઉઘરાણી માટે આવ્યા હતા અને અગાઉથી આયોજનબદ્ધ રીતે હુમલો કર્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સુમિતનો મૃતદેહ હાલ સયાજી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. પરિવારજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. હોસ્પિટલ પરિસરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
બાપોદ પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે નવેય આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ તપાસ મુજબ વેપાર-ધંધામાં થયેલી આર્થિક ખોટ અને રૂપિયા એક લાખની લેવડદેવડના મુદ્દે બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન આરોપી ધર્મેશ ઉર્ફે ધમો વણઝારાએ શૈલેષને તેમજ સુમિતને ચપ્પુના ઘા ઝીંક્યા હતા. અન્ય આરોપીઓએ પણ હુમલામાં સાથ આપ્યો હતો, જેના કારણે સુમિતનું મોત થયું હતું.
પોલીસે આ કેસમાં ધર્મેશ ઉર્ફે ધમો વણઝારા, અજય વણઝારા, મેઘરાજ ઉર્ફે રમેશ વણઝારા, વિક્રમ વણઝારા, વિષ્ણુ વણઝારા, કાળુ ઉર્ફે વિજેશ વણઝારા, વિનોદ વણઝારા, પંકજ વણઝારા અને જયેશ વણઝારાને આરોપી તરીકે ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં ટ્રેલરની અડફેટે 29 વર્ષીય યુવકનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર












