ધારાસભ્ય ચૈતર વસાવા થયો જેલમુક્ત, સમર્થકોએ ખભે બેસાડી કર્યું સ્વાગત

વડોદરા, તા. 24 સપ્ટેમ્બર, 2025ઃ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને તાજેતરમાં જામીન મળ્યા હતા. આજે સવારે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા હતા. આશરે અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવતા તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સમર્થકો વડોદરા જેલ બહાર ચૈતર વસાવાની રાહ જોઈ રહ્યા હતા. જેલમાંથી બહાર આવતા જ સમર્થકોએ તેમને ખભા પર બેસાડીને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
શરતી જામીન:
ચૈતર વસાવાને ભલે જામીન મળ્યા હોય, પરંતુ હાઈકોર્ટે તેમને કેટલીક કડક શરતોનું પાલન કરવાનું કહ્યું છે. આ શરતોમાં મુખ્યત્વે: કોર્ટની કાર્યવાહી સિવાય ડેડીયાપાડામાં પ્રવેશ ન કરવો, કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ફરીથી સંડોવાશો તો જામીન રદ થશે, તપાસમાં પોલીસને સંપૂર્ણ સહકાર આપવો, કોર્ટની પરવાનગી વિના સ્થળાંતર ન કરવું સામેલ છે. આ શરતોનું પાલન કરવું તેમના માટે ફરજિયાત છે. આ જામીન બાદ ચૈતર વસાવા ફરી રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય થઈ શકશે તેવી અપેક્ષા છે.
શું હતી ઘટનાઃ
થોડા મહિના પહેલા ડેડીયાપાડામાં આદિવાસી વિકાસ કચેરીની બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપના સંજય વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મારામારી થઈ હતી. સંજય વસાવાની ફરિયાદના આધારે દેડીયાપાડા પોલીસે ચૈતર વિરુદ્ધ ગુનો નોંધી, તેમની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ચૈતરના સમર્થકો રાજપીપળાની એલસીબી ઓફિસ બહાર એકઠા થયા હતા. જેના કારણે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે વિધાનસભાના ચોમાસું સત્ર માટે તેમને ત્રણ દિવસના જામીન આપવામાં આવ્યા હતા.












