ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નેપાળ જેવી હોનારતનો ઉત્તરાખંડમાં પણ ખતરો? અલકનંદા બેસિનમાં 219 હેંગિંગ ગ્લેશિયર, જાણો શું સૌથી સંવેદનશીલ

Glacier in Utarakhand: નેપાળ-તિબેટ સરહદે 26 ઓગસ્ટે સર્જાયેલી વિનાશક હોનારત પાછળ ગ્લેશિયરનો નીચલો ભાગ તૂટી પડવાથી સર્જાયેલો બરફ-ખડકોનું ભૂસ્ખલન મુખ્ય કારણ હોવાનું વૈજ્ઞાનિક વિશ્લેષણમાં સામે આવ્યું છે. ગ્લેશિયરનો ભાગ ખીણ તરફ અંદાજે 1,200 મીટર નીચે પડ્યો હતો અને બરફ, પથ્થર તથા કાટમાળના પ્રચંડ પ્રવાહે નદીમાં ફ્લેશ ફ્લડ સર્જ્યું હતું. નેપાળની આ ઘટનાએ ઉત્તરાખંડના ઊંચા હિમાલયી વિસ્તારોમાં રહેલા આવા જ જોખમ તરફ ફરી ધ્યાન ખેંચ્યું છે.

અલકનંદા બેસિનમાં 219 હેંગિંગ ગ્લેશિયર

વૈજ્ઞાનિક અભ્યાસમાં ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં આવેલા અલકનંદા બેસિનમાં કુલ 219 હેંગિંગ ગ્લેશિયરોની ઓળખ કરવામાં આવી છે. આ ગ્લેશિયરો લગભગ 71.7 ચોરસ કિલોમીટર વિસ્તાર આવરી લે છે. તેમાં અંદાજિત કુલ બરફનો જથ્થો 2.39 ક્યુબિક કિલોમીટર છે, જેમાં આશરે 0.74 ક્યુબિક કિલોમીટર બરફ ‘હેંગિંગ માસ’ તરીકે ગણવામાં આવ્યો છે. હેંગિંગ ગ્લેશિયર એવા બરફના સમૂહ છે, જે અત્યંત ઊભી અથવા ઢોળાવવાળી પહાડી સપાટી પર અટકેલા હોય છે. તેનો અસ્થિર ભાગ તૂટે તો બરફ સાથે પથ્થરો અને કાટમાળ અત્યંત ઝડપથી નીચે આવી શકે છે.

બદ્રીનાથ-માણા વિસ્તારમાં 25 ગ્લેશિયર ઓળખાયા

સંશોધકોએ બદ્રીનાથ-માણા સહિતના નમૂના વિસ્તારમાં આવેલા 25 હેંગિંગ ગ્લેશિયરોને આધારે worst-case scenario તૈયાર કર્યો હતો. આ મોડેલ એવી પરિસ્થિતિ ધારીને બનાવાયો હતો કે કોઈ ગ્લેશિયરનો સંપૂર્ણ અસ્થિર હેંગિંગ ભાગ તૂટી પડે. મોડેલ મુજબ આવી ઘટના સર્જાય તો બદ્રીનાથ, માણા, હનુમાન ચટ્ટી અને ઘાંઘરિયા જેવા વિસ્તારો બરફ-પથ્થરના વિશાળ પ્રવાહથી પ્રભાવિત થઈ શકે છે.

બદ્રીનાથમાં 51 મીટર સુધી પહોંચી શકે પ્રવાહ

અભ્યાસના simulation પ્રમાણે સંભવિત avalancheની મહત્તમ ઊંચાઈ:

  • બદ્રીનાથ વિસ્તારમાં લગભગ 51 મીટર
  • બદ્રીનાથ-માણા રોડ પર લગભગ 48 મીટર
  • હનુમાન ચટ્ટી નજીક લગભગ 40 મીટર
  • નીલકંઠ બેઝ કેમ્પ નજીક લગભગ 61 મીટર

સુધી પહોંચી શકે છે.

જોકે વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ આગાહી નથી, પરંતુ worst-case hazard modelling છે. તેનો હેતુ કયા વિસ્તારો સંભવિત રીતે જોખમમાં આવી શકે તેની ઓળખ કરવાનો છે.

વસતી વધતા જોખમ થઈ શકે

અભ્યાસ મુજબ વર્ષ 2000માં simulationના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં લગભગ 8,025 ચોરસ મીટર બાંધકામ હતું. 2030 સુધી આ વિસ્તાર વધીને અંદાજે 1.52 લાખ ચોરસ મીટર થઈ શકે છે. એ જ રીતે સંભવિત અસરગ્રસ્ત વસતી વર્ષ 2000માં લગભગ 380 હતી, જે 2030 સુધી વધીને આશરે 8,540 થઈ શકે છે. ખાસ કરીને બદ્રીનાથ અને માણા વચ્ચેના વિસ્તારમાં વસતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું exposure ઝડપથી વધી રહ્યું હોવાનું અભ્યાસ દર્શાવે છે.

ગ્લેશિયર કેમ બની રહ્યા છે વધુ અસ્થિર?

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે હિમાલયમાં વધતું તાપમાન અને ગ્લેશિયરોનું પાછળ ખસવું જોખમ વધારનારા મહત્ત્વના પરિબળોમાં સામેલ છે. મુખ્ય ગ્લેશિયર પાછળ ખસતાં તેના સાથે જોડાયેલા નાના સહાયક ગ્લેશિયર અલગ પડી શકે છે અને ખડકાળ ઢોળાવ પર લટકતા હેંગિંગ ગ્લેશિયરમાં ફેરવાઈ શકે છે. નેચર ઈન્ડિયાના  વિશ્લેષણ અનુસાર હિમાલયમાં તાપમાન વૈશ્વિક સરેરાશ કરતાં ઝડપથી વધી રહ્યું છે અને ગ્લેશિયર રીટ્રિટને કારણે આવા અસ્થિર બરફના સમૂહોનું જોખમ વધી શકે છે.

2021ની ચમોલી દુર્ઘટના પણ ચેતવણી

ફેબ્રુઆરી 2021માં ઉત્તરાખંડના ચમોલીમાં થયેલા બરફ-ખડકના ભૂસ્ખલન બાદ આવેલા વિનાશક પ્રવાહમાં 200થી વધુ લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને સંશોધકોએ એ ઉદાહરણ તરીકે રજૂ કરી છે કે ઊંચા હિમાલયમાં બરફ અને પથ્થરનું માસ ફેઈલ્યોર કેવી રીતે ખૂબ ઓછા સમયમાં મોટી હોનારત સર્જી શકે છે.

વૈજ્ઞાનિકોએ વહેલી ચેતવણી પ્રણાલી પર આપ્યો ભાર

સંશોધકોના મતે તમામ 219 હેંગિંગ ગ્લેશિયરોનું સતત જમીની સ્તરે મોનિટરિંગ કરવું વ્યવહારુ નથી. તેના બદલે સૌથી વધુ જોખમી ગ્લેશિયરોને પ્રાથમિકતા આપીને સેટેલાઈટ ઈમેજરી, ફિલ્ડ સર્વે, રડાર મોનિટરિંગ અને અર્લી વોર્નિંગ સિસ્ટમનો  ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. બદ્રીનાથ, માણા અને આસપાસનો વિસ્તાર ધાર્મિક યાત્રા, પ્રવાસન અને મોટી સંખ્યામાં લોકોની અવરજવર સાથે જોડાયેલો હોવાથી અહીં રિસ્ક બેઝ્ડ પ્લાનિંગ ખાસ જરૂરી હોવાનું અભ્યાસમાં જણાવાયું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચોઃ તિબેટના ફ્લેશ ફ્લડ વચ્ચે માનસી પારેખ સુરક્ષિત, હોટલમાંથી અપડેટ આપતા કહ્યું- જીવન અનિશ્ચિત છે
Back to top button