ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

‘આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારીશું’ PM મોદીની ટિપ્પણી પર USએ આપી પ્રતિક્રિયા

  •  બંનેને તણાવ ટાળવા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવા માટે પ્રોત્સાહિત કર્યા છે: US

વોશિંગ્ટન, 17 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં કહ્યું હતું કે ભારત આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારવામાં અચકાશે નહીં. બંને નેતાઓનો ઈશારો પાકિસ્તાન તરફ હતો. ભારતના આ બે દિગ્ગજ નેતાઓના નિવેદનો પર અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપી છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરેને મંગળવારે એવું પૂછવામાં આવ્યું કે શું બાઈડેન વહીવટીતંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ટિપ્પણીઓથી ચિંતિત છે. જેના પર મિલરે કહ્યું, “જેમ કે મેં પહેલા પણ કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ આમાં સામેલ થશે નહીં. પરંતુ અમે ભારત અને પાકિસ્તાન બંનેને તણાવ ટાળવા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને કરી રહ્યા છીએ.”

 

અમેરિકી પ્રવક્તાએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુ પર શું કહ્યું?

એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, મિલરે કહ્યું કે, “તે ક્યારેય કોઈપણ પ્રતિબંધની કાર્યવાહીનું પૂર્વાવલોકન કરશે નહીં અને યુનાઈટેડ સ્ટેટ્સ ખુલ્લેઆમ પ્રતિબંધોની ચર્ચા કરતું નથી.” જ્યારે મિલરને પૂછવામાં આવ્યું કે, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુને મારવાના કથિત કાવતરાને લઈને અમેરિકાએ ભારત પર કોઈ પ્રતિબંધ શા માટે લાદ્યો નથી, તો તેમણે કહ્યું કે, “હું ક્યારેય કોઈ પ્રતિબંધની કાર્યવાહીનું પૂર્વાવલોકન કરવા જઈ રહ્યો નથી, પરંતુ તેનો અર્થ એ પણ નથી કે  કોઈ પ્રતિબંધ લાગવાનો છે. પરંતુ જ્યારે તમે મને પ્રતિબંધ વિશે વાત કરવાનું કહી જ રહ્યા છો, ત્યારે આ એવી વસ્તુ છે જેની અમે ખુલ્લેઆમ ચર્ચા કરતા નથી.”

 

ગુરપતવંતસિંહ પન્નુ ભારત દ્વારા નિયુક્ત કરાયેલા આતંકવાદી છે અને તેણે ભારત વિરુદ્ધ વારંવાર ધમકીઓ આપી છે. US ન્યાય વિભાગના આરોપ મુજબ, એક ભારતીય નાગરિક એવા નિખિલ ગુપ્તા કે જે હાલ પોલીસ કસ્ટડીમાં છે, જેના પર પન્નુની હત્યાનો આરોપ લાગેલો છે. US જસ્ટીસ ડિપાર્ટમેન્ટે અગાઉ દાવો કર્યો હતો કે, એક ભારતીય સરકારી કર્મચારી, જેની ઓળખ જાહેર કરવામાં આવી ન હતી, તેણે કથિત રીતે પન્નુની હત્યા કરવા માટે એક હિટમેનની ભરતી કરી હતી, જેને યુએસ સત્તાવાળાઓએ નિષ્ફળ કરી હતી. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ભારતે હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવવાના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.

પ્રધાનમંત્રી મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહે શું કહ્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલે કહ્યું હતું કે, “ભાજપ સરકારના શાસનમાં છેલ્લા 10 વર્ષમાં આતંકવાદીઓ તેમની જ ધરતી પર માર્યા ગયા છે” ઉત્તરાખંડના ઋષિકેશમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિશે વાત કરી હતી અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એનડીએ શાસનમાં જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવવામાં આવી હતી. PM મોદીએ કહ્યું કે, “આજે દેશમાં એક મજબૂત સરકાર છે. આ મજબૂત સરકારમાં આતંકવાદીઓ તેમના ઘરમાં ઘૂસીને માર્યા જાય છે. યુદ્ધના ક્ષેત્રમાં પણ ભારતીય તિરંગો સુરક્ષાની ગેરંટી બની ગયો છે. 7 દાયકા પછી, જમ્મુમાં આર્ટીકલ 370 નાબૂદ કરવામાં આવી છે અને ટ્રિપલ તલાક પર કાયદો લાવવામાં આવ્યો.  અમારી મજબૂત સરકાર જ હતી જેણે સંસદમાં 33 ટકા આરક્ષણ સુનિશ્ચિત કર્યું અને સામાન્ય વર્ગના ગરીબોને પણ 10 ટકા અનામત મળી. ભારતે વારંવાર ભારપૂર્વક કહ્યું છે કે તે સીમા પારના આતંકવાદને સહન કરશે નહીં અને ઈસ્લામાબાદ સાથેના સંબંધો સુધારવા માટે આતંકવાદને બાજુ પર મૂકી શકશે નહીં. ભારતે એમ પણ કહ્યું છે કે એવું અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી ઈસ્લામાબાદની છે જેમાં કોઈ આતંક, દુશ્મનાવટ કે હિંસા ન હોય.”

એક ઈન્ટરવ્યુમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે, “જો પાકિસ્તાનના ઈરાદા સ્પષ્ટ છે તો તેઓએ સીમા પારના આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવી જોઈએ. જો પાકિસ્તાન આતંકવાદ દ્વારા ભારતને અસ્થિર કરવાની કોશિશ કરશે, તો તેને પરિણામ ભોગવવા પડશે. પાકિસ્તાને આતંકવાદને કાબૂમાં રાખવો પડશે. જો પાકિસ્તાનને લાગે છે કે તે તેના પર કાબૂ મેળવી શકતું નથી, જો તેને લાગે છે કે તે સક્ષમ નથી, તો ભારત પાડોશી છે, જો તેઓ ભારતની મદદ લેવા ઈચ્છે છે, તો ભારત આતંકવાદનો સામનો કરવા માટે તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે.” જ્યારે રાજનાથ સિંહને તેમની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું કે, તેઓ ઘરમાં ઘૂસીને આતંકીઓને મારી નાખશે તો તેમણે કહ્યું કે, અમે આતંકવાદને ખતમ કરવા માટે દરેક જરૂરી પગલાં લઈશું. અમે આતંકવાદીઓને ભારતીય સરહદની અંદર કામ કરવા નહીં દઈએ. અમે તેને રોકવા માટે બધું જ કરીશું.”

આ પણ જુઓ: દુબઈના રણમાં વરસાદે મચાવી તબાહી: એરપોર્ટ થઈ ગયું પાણી-પાણી, ઓમાનમાં 18ના મૃત્યુ

Back to top button