વધુ એક દેશમાં UPI! વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાતથી મોટા સમાચાર, ભારતે સમજૂતિ પર કર્યા હસ્તાક્ષર

નવી દિલ્હી, 17 જૂન, 2025: ભારતની ડિજીટલ ક્રાંતિ હવે યુરોપ સુધી પહોંચી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાયપ્રસ મુલાકાત દરમિયાન એક મોટો ફિનટેક સોદો કરવામાં આવ્યો છે, જે અનુસાર ભારતની નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(NPCI)અને સાયપ્રસની યુરોબેન્ક મળીને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇંટરફેસ (UPI)ને ત્યાં શરૂ કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. તેનો ફાયદો ખાસ કરીને ભારતીય પર્યટકો અને સાયપ્રસમાં કારોબાર કરનારાઓને થશે.
ભારત અને સાયપ્રસ હવે UPI દ્વારા સરળ સરહદ પાર વ્યવહારો તરફ આગળ વધી રહ્યા છે. વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) તન્મય લાલે જણાવ્યું હતું કે, “સાયપ્રસનું વ્યૂહાત્મક સ્થાન તેને યુરોપ અને ભૂમધ્ય સમુદ્રનું પ્રવેશદ્વાર બનાવે છે. ખાસ કરીને નાણાકીય ક્ષેત્રમાં આપણા આર્થિક સંબંધો હવે વધુ મજબૂત બની રહ્યા છે.”
GIFT સિટી સાથે જોડાણ પણ વધ્યું
ગુજરાતના GIFT સિટીમાં સ્થિત NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ અને સાયપ્રસ સ્ટોક એક્સચેન્જ વચ્ચે એક MoU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેનો હેતુ સરહાદ પારનું રોકાણ વધારવાનો છે. તેનો સીધો લાભ GIFT સિટી, સાયપ્રસ અને યુરોપના રોકાણકારોને મળશે.
સાયપ્રસ FDIમાં ટોચનું ભાગીદાર બન્યું
સાયપ્રસ ભારત માટે ટોચના 10 FDI સ્ત્રોતોમાંનું એક છે, જ્યાંથી અત્યાર સુધીમાં લગભગ 15 બિલિયન ડોલરનું રોકાણ આવ્યું છે. લિમાસોલમાં આયોજિત ઇન્ડો-સાયપ્રસ બિઝનેસ રાઉન્ડટેબલમાં, PM મોદી અને સાયપ્રસના પ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે સાથે મળીને નવા આર્થિક સહયોગ માટેની યોજના પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં બેંકિંગ, લોજિસ્ટિક્સ, સંરક્ષણ, ટેકનોલોજી, AI, ડિજિટલ સેવાઓ અને ગતિશીલતા જેવા ક્ષેત્રોના દિગ્ગજોએ હાજરી આપી હતી. મોદીએ સાયપ્રસને રોકાણ કરવા આમંત્રણ આપતા ભારતમાં નવીનતા, સ્ટાર્ટઅપ્સ, ઉડ્ડયન, ડિજિટલ ચુકવણીઓ અને પોર્ટ વિકાસ જેવા ક્ષેત્રોમાં વધતી તકોનો ઉલ્લેખ પણ કર્યો હતો.
આ પણ વાંચોઃ RBIએ ‘રૂપિયા ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સ’ પર નવા નિયમોનો ડ્રાફ્ટ જારી કર્યો, જાણો શું છે IRD












