ટ્રેન્ડિંગનેશનલ

​યુપીના મંત્રી ઓમ પ્રકાશ રાજભરનું વિવાદાસ્પદ નિવેદન: ’18 જાન્યુઆરીએ આઝમગઢ આવો, લાયસન્સ વગર હથિયાર આપીશ’

​ઉત્તર પ્રદેશ: 14 જાન્યુઆરી, 2026: ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસ્પા) ના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજભરે જાહેરાત કરી છે કે તેઓ લાયસન્સ વગર હથિયાર વહેંચશે. આ નિવેદન બાદ યુપીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

જાહેરમાં આપી ‘તારીખ અને સ્થળ‘

મંગળવારે લખનઉમાં નિષાદ પાર્ટીના ‘સંકલ્પ દિવસ’ કાર્યક્રમમાં સંબોધન કરતા રાજભરે કહ્યું કે, “જે કોઈને પણ લાયસન્સ વગરના હથિયાર જોઈએ છે, તેઓ 18 જાન્યુઆરીએ આઝમગઢ આવીને મારી પાસેથી લઈ શકે છે.” સોશિયલ મીડિયા પર આ નિવેદનનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જોકે આ વીડિયોની સત્યતાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

નિષાદ પાર્ટીનો 13મો સ્થાપના દિવસ

નિષાદ પાર્ટી (નિર્બળ ઈન્ડિયન શોષિત હમારા આમ દળ) ના 13મા સ્થાપના દિવસ નિમિત્તે ડો. રામ મનોહર લોહિયા યુનિવર્સિટીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મંત્રી ડો. સંજય નિષાદે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, ​માછીમાર સમાજ કોઈનો વોટ બેંક નથી, પરંતુ તે સરકાર બનાવવાની અને પાડવાની તાકાત ધરાવે છે. ​તેમણે વિરાંગના ફૂલન દેવી અને સ્વ. જમુના નિષાદની હત્યાની CBI તપાસ કરવાની માંગણીનું પુનરાવર્તન કર્યું છે.સંજય નિષાદે ભારપૂર્વક જણાવ્યું કે સમાજને સત્તાની જરૂર છે અને તેના માટે નિષાદ પાર્ટીને મજબૂત કરવી પડશે.

દિગ્ગજ નેતાઓની હાજરી

આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે પણ હાજરી આપી હતી અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. જોકે, સમગ્ર કાર્યક્રમમાં ઓમ પ્રકાશ રાજભરનું હથિયાર વહેંચવાનું નિવેદન સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

 

Back to top button