ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામની માંગ કરતી રશિયાની દરખાસ્તને UNSCએ ફગાવી
- યુનાઈટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સિલની સોમવારે બેઠક યોજાઇ
- રશિયાના ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામના પ્રસ્તાવને ન મળ્યું સમર્થન
- પ્રસ્તાવના સમર્થનમાં જરૂરી મતો ન પડતાં UNSCએ ફગાવી દીધો
યુનાઈટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સિલની સોમવારે બેઠક યોજાઇ હતી. જેમાં ગાઝામાં ચાલી રહેલી હિંસા પર રશિયાના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફગાવી દેવામાં આવ્યો હતો. વાસ્તવમાં, રશિયાના પ્રસ્તાવમાં ગાઝામાં નાગરિકો સામેની હિંસાની નિંદા કરવામાં આવી હતી અને યુદ્ધવિરામની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેમાં હમાસ અથવા તેના ઇઝરાયેલી નાગરિકો પરના બર્બર હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં પશ્ચિમી દેશોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો. જેમાં 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં ઠરાવ પસાર કરવા માટે ઓછામાં ઓછા નવ મતોની જરૂર હતી, પરંતુ રશિયા સહિત માત્ર પાંચ દેશોએ જ ઠરાવના સમર્થનમાં મતદાન કર્યું હતું. જ્યારે અન્ય ચાર દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
ક્યાં દેશોએ રશિયાના પ્રસ્તાવને આપ્યો ટેકો ?
રશિયાના ઠરાવના સમર્થનમાં મતદાન કરનારા દેશોમાં ચીન, સંયુક્ત આરબ અમીરાત, મોઝામ્બિક અને ગેબોનનો સમાવેશ થાય છે. પ્રસ્તાવના વિરોધમાં મતદાન કરનારા દેશોમાં અમેરિકા, બ્રિટન, જાપાન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. અન્ય છ દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. યુ.એસ.ના કાયમી પ્રતિનિધિ લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે જણાવ્યું હતું કે, “તેમનો દેશ રશિયન ડ્રાફ્ટ ઠરાવને સમર્થન આપી શકશે નહીં કારણ કે તેણે હમાસના આતંકવાદની અવગણના કરી છે અને પીડિતોનું અપમાન કર્યું છે. હમાસની નિંદા કરવામાં નિષ્ફળ રહીને, રશિયા એક આતંકવાદી જૂથને કવર આપી રહ્યું છે જે નિર્દોષ નાગરિકો પર ક્રૂરતા કરે છે. તે અપમાનજનક, દંભી અને અસુરક્ષિત છે. અમે આ કાઉન્સિલને અન્યાયી રીતે ઇઝરાયેલ પર દોષ મૂકવાની અને હમાસને તેની દાયકાઓની ક્રૂરતા માટે માફ કરવાની મંજૂરી આપી શકતા નથી,”
A draft resolution proposed by Russia at the Security Council on the situation in Gaza was not adopted as it failed to obtain the required number of affirmative votes pic.twitter.com/9kHoO2V11M
— UN News (@UN_News_Centre) October 17, 2023
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પશ્ચિમી દેશોના હિતોને આધીન : રશિયન રાજદ્વારી
ગાઝા પરના રશિયન રિઝોલ્યુશન પરના મતદાન પહેલા, રશિયન રાજદ્વારી વેસિલી નેબાન્ઝિયાએ સભ્ય દેશો પાસેથી સમર્થન માંગ્યું અને કહ્યું હતું કે ગાઝા કટોકટી અભૂતપૂર્વ છે અને દર કલાકે જાનહાનિની સંખ્યા વધી રહી છે. રશિયન રાજદ્વારીએ ઇઝરાયેલ અને ગાઝામાં નાગરિકોના મોતની સખત નિંદા કરી હતી. રશિયાના પ્રસ્તાવના અસ્વીકાર બાદ વેસિલી નેબાન્ઝિયાએ કહ્યું હતું કે,તે ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે સુરક્ષા પરિષદ પશ્ચિમી દેશોના હિતોને આધીન છે અને તે છેલ્લા દાયકાની સૌથી ગંભીર હિંસા રોકવા માટે સંયુક્ત સંદેશ આપવામાં નિષ્ફળ રહી છે.
રશિયન પ્રસ્તાવ પર અમેરિકન રાજદૂતે શું કહ્યું?
અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે કહ્યું કે,રશિયન ઠરાવમાં હમાસનો કોઈ ઉલ્લેખ નથી, જ્યારે હમાસે ઈઝરાયેલના નાગરિકો અને યહૂદીઓનો નાશ કરવાના ઈરાદાથી હુમલો કર્યો હતો. હમાસની નિંદા ન કરીને રશિયા આ આતંકવાદી સંગઠનના બર્બર કૃત્યોનો બચાવ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, હમાસના હુમલાને કારણે ગાઝામાં આ ગંભીર માનવીય સંકટ ઉભું થયું છે. અમેરિકી રાજદૂતે ગાઝામાં ચાલી રહેલી હિંસાની પણ નિંદા કરી પરંતુ એમ પણ કહ્યું કે, આતંકવાદી હુમલાનો જવાબ આપવો ઇઝરાયેલનો અધિકાર છે. બ્રિટિશ રાજદૂત બાર્બરા વુડવર્ડે રશિયન પ્રસ્તાવની નિંદા કરતા કહ્યું કે, તેણે તેના ઈતિહાસમાં ઈઝરાયેલ પરના સૌથી ક્રૂર હુમલાની અવગણના કરી.
આ પણ જાણો :હમાસ સાથેના યુદ્ધ વચ્ચે US પ્રમુખ જો બાઇડન ઇઝરાયેલની લેશે મુલાકાત