ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે US પ્રમુખ જો બાઇડન ઇઝરાયેલની લેશે મુલાકાત

  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન બુધવારે ઇઝરાયેલની કરશે મુલાકાત  
  • જો બાઈડનની મુલાકાત વિશેની વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આપી માહિતી

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 11મો દિવસ છે. બંને બાજુથી સ્થિતિ આક્રમક રહેલી છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ઈઝરાયેલ સાથે અમેરિકાની એકતા જાળવી રાખવા અને શાંતિ સ્થાપિત થાય તેવા હેતુથી બુધવારે(18 ઓક્ટોબરે) તેલ અવીવ આવશે. જ્યાં રાષ્ટ્રપતિ બાઈડન ફરીથી સ્પષ્ટતા કરશે કે ઇઝરાયેલને તેના લોકોની રક્ષા કરવાનો અને હમાસ તેમજ અન્ય આતંકવાદીઓના હુમલા રોકવાનો અધિકાર છે તેમ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિની ઈઝરાયેલ મુલાકાતની માહિતી આપતા અમેરિકાના વિદેશ મંત્રીએ શું કહ્યું ?

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને રાષ્ટ્રપતિ જો બાઈડનની ઈઝરાયેલ મુલાકાતની માહિતી આપતા જણાવ્યું હતું કે, “આ ઈઝરાયેલ, મધ્ય પૂર્વ અને વિશ્વ માટે ખૂબ જ નાજુક ક્ષણ છે. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ બાઈડન બુધવારે ઈઝરાયેલની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ બાઈડન ઈઝરાયેલ સાથે અમેરિકાની એકતા જાળવી રાખવા તેલ અવીવ જશે. તે જ સમયે, રાષ્ટ્રપતિ બાઈડન ફરીથી સ્પષ્ટ કરશે કે ઇઝરાયેલને તેના નાગરિકોની સુરક્ષા અને હમાસ તેમજ અન્ય આતંકવાદી સંગઠનોના હુમલા રોકવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે એ પણ જાહેરાત કરી કે, યુ.એસ. અને ઇઝરાયેલ એક એવી મિકેનિઝમ બનાવવા માટે સંમત થયા છે જે અન્ય દેશો અને બહુપક્ષીય સંસ્થાઓને ગાઝામાં નાગરિકોને માનવતાવાદી સહાય પહોંચાડવા સક્ષમ બનાવશે. રાષ્ટ્રપતિ બાઈડન એવા દેશો અને દળોને સ્પષ્ટ સંદેશ આપશે કે જેઓ આ સંકટનો ફાયદો ઉઠાવીને ઈઝરાયેલ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ બાઈડન હમાસ દ્વારા બંધક બનેલા લોકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે અમેરિકાના ભાગીદારો સાથે નજીકથી સંકલન કરવાનું ચાલુ રાખશે.”

ઇઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધનો 11મો દિવસ

ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચેનું યુદ્ધ મંગળવારે તેના 11માં દિવસમાં પ્રવેશ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 4,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં લગભગ 1,400 ઈઝરાયેલ અને 2,750 પેલેસ્ટાઈનનો સમાવેશ થાય છે. હમાસના આતંકવાદીઓએ લગભગ 200 ઈઝરાયેલ અને અન્ય દેશોના નાગરિકોને બંધક બનાવ્યા છે. અમેરિકા સહિત અન્ય દેશો તેમની સુરક્ષિત મુક્તિ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે તેમજ આ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં લેબનોને પણ ઝંપલાવ્યું છે. જેમાં લેબનોનના આતંકવાદી સંગઠન હિઝઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલના સરહદી ગામ પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ જાણો :હમાસ હુમલામાં ભારતીય મૂળની બે મહિલા સૈનિક વીરગતિ પામી

Back to top button